Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્‍તે શુભારંભ કરાયો

આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.

વલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્‍તે શુભારંભ કરાયો
X

રાજ્યના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા તા. ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે વલસાડ જિલ્‍લાના વાપી શહેરના ગુંજન સર્કલ પર કડિયાનાકા ખાતેથી રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ માત્ર રૂા. પ/-માં સાત્‍વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજિત ૧ લાખ શ્રમિકોને રોજના રૂ. ૫માં પૌષ્ટિક ભોજન મળી રહેશે. ગુણવત્તાયુક્ત ભોજન મળવાની સાથે શ્રમિકોનો સમય પણ બચશે. રાજ્યમાં કોઈ પણ શ્રમિક ભુખ્યો ન રહે તે માટે સરકાર ચિંતિત છે. જેથી જેની પાસે શ્રમિક નોંધણી કાર્ડ ન હોય તો તેને હંગામી નોંધણી કરાવાથી ભોજન મળશે, અને આ હંગામી નોંધણી થયેલા શ્રમિકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આ યોજનાનો નિરંતર લાભ મળતો રહેશે. વલસાડ જિલ્લામાં આ યોજના ૬ કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા. મોંધાભાઇ દેસાઇ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, જી.આઇ.ડી.સી. વાપી અને પારડી શહેરના બસ સ્‍ટેન્‍ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે. લોકાપર્ણ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાની ધનવંતરી આરોગ્ય રથની ટીમ દ્વારા શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મંત્રીએ ધનવંતરી આરોગ્ય રથ અને બાંધકામ શ્રમયોગી બોર્ડના નોર્થ સ્ટાર ડાયગ્નોસ્ટીક સેન્ટરના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ યોજનામાં ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા ઇ-નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઇ-નિમાર્ણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્‍દ્ર પર જઇ કાર્ડમાં દર્શાવેલ ઇ-નિમાર્ણ નંબર અથવા કયુ.આર. કોડ સ્‍કેન કરાવી ભોજન વિતરણ કેન્‍દ્ર પરથી રૂા. ૫/-ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા. ૫/-માં સાત્‍વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઇ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે, અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. આ પ્રસંગે વાપી વીઆઈએના પ્રમુખ કમલેશ પટેલ, માનદમંત્રી સતિષ પટેલ, વાપી નોટિફાઈડના પ્રમુખ હેમંત પટેલ, વાપી પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલ પટેલ, મદદનીશ શ્રમ આયુક્ત જે.આર.જાડેજા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નિયામક ડી.કે.વસાવા, નોર્થ સ્ટાર ડાયગ્નોસીસ સેન્ટરના માર્કેટીંગ ડિપાર્ટમેન્ટના દિપેશ સુથાર અને શ્રમયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story