Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પોલીસ-NDRFની સરાહનીય કામગીરી, વરસાદમાં ફસાયેલા લોકોનું બોટ-ટ્રેક્ટર મારફતે રેસક્યું કર્યું...

વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા.

X

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે વેરાવળ-સોમનાથ બાયપાસ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ-પાટણના ડોશિઆમ વિસ્તાર તેમજ વેરાવળ-સોમનાથ બાયપાસ પરની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે બચાવ કામગીરી કરવામાં આવી હતી.

ત્યારબાદ તમામ અસરગ્રસ્તોને ઘાંચીવાડા અને પ્રભાસ-પાટણ તરફ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વેરાવળ-સોમનાથ બાયપાસ પર પાણી ભરાવાના કારણે થયેલા ટ્રાફિક જામને પણ પોલીસે હળવો કરી માર્ગને પૂર્વવ્રત કરાવ્યો હતો.

તો બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસતા વરસાદની પરિસ્થિતિમાં કોઈપણ આપતકાલીન સ્થિતિને પહોચી વળવા NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRFની ટીમના આશરે 25 જેટલા જવાનો જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.

વરસાદના કારણે વેરાવળ-સોમનાથ બાયપાસ પાસેની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, જ્યાં NDRFની ટીમે રાહત અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું. જેમાં NDRF સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં જોડાયા હતા. જેમાં બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

Next Story