મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સ્વાગત ઓનલાઈન પોર્ટલ
'સ્વાગત પોર્ટલ' દ્વારા સમસ્યાઓનું અસરકારક સમાધાન
પોર્ટલ પર 1,70,284 કેસ અંગે મળી હતી ફરિયાદ-રજૂઆત
પોર્ટલ થકી 1.65 લાખથી વધુ જન ફરિયાદોનું નિરાકરણ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થવા અવસર પર મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના 1.65 લાખથી વધુ જન ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003’માં સ્વાગત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ ગુજરાતનું અગ્રણી ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ સીધા મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા અને તેનું પારદર્શક સમાધાન મેળવવાની તક આપે છે. આ પોર્ટલ વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્ય સ્તરથી લઈને ગામ સ્તર સુધીના કેસોનો નિકાલ કરે છે, અને લોકો તેમજ વહીવટી તંત્ર વચ્ચે એક અનોખો સેતુ રચે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, છેલ્લા 3 વર્ષોમાં આ પોર્ટલ પર 1,70,284 જેટલા કેસ અંગે ફરિયાદ અને રજૂઆત મળી હતી, જેમાંથી 1,69,331 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના લૂણીધાર ગામના 80 વર્ષીય અંબાબેનને તેમના પતિના નિધન બાદ વૃદ્ધાવસ્થા પેન્શનની જરૂર હતી. ઘણા પ્રયાસો છતાં તેમને મદદ મળી ન હતી, જ્યારે તેમણે 'સ્વાગત પોર્ટલ' દ્વારા ફરિયાદ નોંધાવી, ત્યારે થોડા જ દિવસોમાં તેમને રૂ. 49 હજાર પેન્શન મળ્યું હતું. તેવી જ રીતે, અમદાવાદના શ્રીકાંત સોમચંદ ભાવસારનો જમીન વિવાદ લગભગ ચાર દાયકાથી અટવાયેલો હતો. 'સ્વાગત પોર્ટલ' પર ફરિયાદ નોંધાવ્યા પછી, સમસ્યા ઝડપથી ઉકેલાઈ અને તેમને એક મહિનામાં જમીન માલિકીનો હક મળી ગયો. આ કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે, 'સ્વાગત પોર્ટલ' નાગરિકોની સમસ્યાઓને સીધા અધિકારીઓ સુધી પહોંચાડીને ઝડપી અને અસરકારક સમાધાન સુનિશ્ચિત કરે છે.