ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ, કુદરતી હવામાન પલટાના કારણે વિશ્વ વિખ્યાત કેસર કેરી 15થી 20 દિવસ બજારમાં મોડી આવે તેવી વકી છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં આ વખતે કેસર કેરીના બગીચાઓમાં 3 તબક્કે ભારે માત્રામાં ફ્લાવરિંગ આવ્યા હતા. પરંતુ ખેડૂતોને જેની ચિંતા હતી તે જ સામે આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી કમોસમી માવઠા અને પ્રતિકૂળ હવામાનના કારણે 50થી વધુ ટકા નાશ પામી છે. આ વર્ષે આંબા ઉપર મબલખ ફ્લાવરિંગ વચ્ચે કમોસમી માવઠું વરસ્યું હતું, તે વિસ્તારોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. માવઠાએ તાલાળા અને ગીર વિસ્તારમાં ભારે નુકશાની સર્જી છે. ભલે તાલાળા પંથકમાં વરસાદ નથી આવ્યો, પરંતુ ઠંડુ અને ભેજવાળા વાતાવરણના કારણે આંબા પરથી મોર ખરી પડ્યા છે. જેના કારણે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે.
તો બીજી તરફ, કેસર કેરી 15થી 20 દિવસ બજારમાં મોડી આવે તેવી વકી સાથે કેસર કેરીનો ભાવ આસમાને રહે તેવું ખેડૂતોનું માનવું છે. ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં માવઠા અને પ્રતિકૂળ વાતાવરણના કારણે મોટાભાગે કેસર કેરીનો પાક 50% ખરી પડ્યો છે. તો સાથે જ વાતાવરણના કારણે કેસર કેરી બજારમાં પ્રતિ સીઝન કરતા આ વર્ષે 15થી 20 દિવસ મોડી જોવા મળશે, ત્યારે ખેડૂતો કેસર કેરીમાં છેલ્લા પાંચેક વર્ષથી સતત નુકસાની ભોગવી રહ્યા છે. જેઓ સરકાર પાસે યોગ્ય મદદની અપેક્ષા રાખી રહ્યા છે.