-
31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની કરાશે ઉજવણી
-
31stને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ
-
રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું
-
રાજ્યના વિવિધ સ્થળેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો
-
પાર્ટી પ્લોટ-રિસોર્ટના સંચાલકોને તકેદારી રાખવા સૂચન
થર્ટી ફર્સ્ટ નિમિત્તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં દારૂ સહિત ડ્રગ્સ આવવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે 31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરેના સંચાલકોને પણ ખાસ તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.
31 ફર્સ્ટના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી સંઘ પ્રદેશ દમણની સહેલગાહે ઉમટી પડતા હોય છે, ત્યારે નવા વર્ષની રાત્રિ દરમ્યાન થનારી ઉજવણીમાં કોઈ કચાસ ન રહી જાય એવા આશય સાથે હોટલો અને રિસોર્ટ દ્વારા ખાસ પેકેજ પણ નક્કી કરવામાં આવ્યા છે.
જેમાં ડી.જે. પાર્ટી, લાઈવ મ્યુઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વીથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ પર્યટકોને આકર્ષિત કરતાં હોય છે. દમણની અનેક હોટલો બહાર રંગબેરંગી આકર્ષક લાઈટનો શણગાર પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, દમણથી ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા દમણ-ગુજરાત બોર્ડર પર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પર્યટકોએ હોટલ અથવાતો નાના-મોટા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈને રાત્રિ રોકાણ કરશે તેવા જ પર્યટકો મોડી રાત સુધી ઉજવણીની સાચી મઝા માણી શકશે તેવું લાગી રહ્યું છે.
તો બીજી તરફ, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને વડોદરા શહેર અને જિલ્લા પોલીસે તૈયારીઓ કરી લીધી છે. મોટાભાગની ઉજવણી-પાર્ટીઓનું આયોજન વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં થનાર છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, કેફે સહિત 211 જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો આપ્યા છે.
જે સ્થળે પાર્ટીનું આયોજન કરાયું હોય, ત્યાં કેફી પીણું કે, ડ્રગ્સનો નશો કરીને કોઈ ન આવે તે અંગે સૂચના અપાય છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પ્રોબેશનર અધિક્ષક, 3 ડીવાયએસપી, 20 પીઆઇ, 45 પીએસઆઇ તેમજ 400થી વધુ પોલીસ કર્મચારી અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ, બ્રેથ એનેલાઈઝર તેમજ NDPS કિટ વડે ચેકિંગ હાથ ધરશે.
આ તરફ, સૌરાષ્ટ્ર પંથકમાં પણ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને ઉના પોલીસે ચેકપોસ્ટ ઉભી કરી છે, ત્યારે પોલીસના સઘન ચેકિંગ વચ્ચે મોપેડમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો હતો. ઉના તાલુકાના ભાડાસી ગામેથી બાઇકમાં ભરેલ દારૂના જથ્થા સાથે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
બુટલેગર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દારૂનો જથ્થો લઇ ઉના તરફ આવી રહ્યો હતો. જોકે, બુટલેગરે દારૂ સંતાડવા બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતું, ત્યારે બાતમીના આધારે પોલીસને બુટલેગર પાસેથી વિદેશી દારૂની બોટલ 48 નંગ મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવતા અન્ય બુટલેગરોમાં પોલીસના ચેકિંગથી ફફડાટ ફેલાયો છે.
હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા યુવાધન નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે, ત્યારે નશાનો કાળો કારોબાર કરતા ઈસમોને પકડવા જુનાગઢ જિલ્લા તેમજ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર યુવાધન પણ ગેરકાયદેસર રીતે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવી રહ્યા છે, ત્યારે આવો જ નશાનો કાળો કારોબાર કરતા અને લો કોલેજમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થીને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
જુનાગઢના કેશોદમાંથી પણ પોલીસે 428 નંગ દારૂની બોટલો અને કાર મળી રૂ. 3.52થી વધુના મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ સમગ્ર જુનાગઢ જિલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.