/connect-gujarat/media/media_files/2026/02/19/untitled-2026-02-19-09-43-03.png)
આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે 'વ્યાયામ એ જ સ્વાસ્થ્યની ચાવી છે'. પરંતુ જો તમે ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ (Osteoarthritis) એટલે કે સાંધાના ઘસારાથી પીડાતા હોવ, તો ફક્ત કસરત પર નિર્ભર રહેવું જોખમી સાબિત થઈ શકે છે. જર્મનીના વૈજ્ઞાનિકોએ કરેલા એક નવા સંશોધને જૂની માન્યતાઓને પડકારી છે.
સંશોધનનો દાવો: કસરત 'રામબાણ' ઇલાજ નથી
જર્મનીની બોચમ યુનિવર્સિટીના સંશોધકોનો અહેવાલ 'ર્યુમેટિક એન્ડ મસ્ક્યુલોસ્કેલેટલ ડિસીઝ ઓપન' માં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ મુજબ, ઑસ્ટિયોઆર્થ્રાઇટિસના દર્દીઓ માટે કસરતથી મળતી રાહત ખૂબ જ મર્યાદિત અને કામચલાઉ હોય છે. તબીબી જગતમાં અત્યાર સુધી કસરતને પ્રાથમિક સારવાર માનવામાં આવતી હતી, પરંતુ આ સંશોધન હવે નવી દિશા ચીંધે છે.
૧૨,૦૦૦ લોકો પર કરાયેલું વિશ્લેષણ
આ નિષ્કર્ષ પર પહોંચવા માટે સંશોધકોએ 12000 થી વધુ લોકો પર કરાયેલા ૨૮ અલગ-અલગ ટ્રાયલ્સ અને પાંચ વ્યવસ્થિત સમીક્ષાઓનો અભ્યાસ કર્યો હતો. જ્યારે કસરતના પરિણામોની સરખામણી અન્ય સારવારો સાથે કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેની અસર અપેક્ષા કરતા ઘણી ઓછી હતી.
શરીરના અંગો પર કસરતની અસર:
અભ્યાસમાં જાણવા મળ્યું કે કસરત દરેક સાંધા પર અલગ રીતે અસર કરે છે:
ઘૂંટણ: દુખાવામાં થોડી રાહત મળે છે, પરંતુ તે લાંબો સમય ટકતી નથી.
થાપા (Hip): કસરતની હિપના દુખાવા પર લગભગ નહિવત્ અસર જોવા મળી છે.
હાથ: હાથના સાંધાના દુખાવામાં પણ કસરતથી બહુ ઓછો ફાયદો થાય છે.
સર્જરી અને અન્ય સારવારો વધુ અસરકારક
અભ્યાસમાં જ્યારે કસરતની તુલના પેઇનકિલર્સ, સ્ટીરોઈડ ઇન્જેક્શન અને સર્જરી સાથે કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ગંભીર કિસ્સાઓમાં સાંધા રિપ્લેસમેન્ટ (Joint Replacement) અને ઓસ્ટિઓટોમી જેવી સર્જિકલ પ્રક્રિયાઓ કસરત કરતા વધુ કાયમી અને સારી રાહત આપે છે.
શું છે આ ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ?
આ એક ક્રોનિક રોગ છે જેમાં સાંધા અને હાડકાં વચ્ચેની સુરક્ષિત કોમલાસ્થિ (Cartilage) ઘસાઈ જાય છે.
મુખ્ય લક્ષણો: અસહ્ય દુખાવો, સાંધામાં જડતા અને ચાલવા-ફરવામાં તકલીફ.
અસરગ્રસ્ત ભાગો: મુખ્યત્વે હાથ, ઘૂંટણ, થાપા અને કરોડરજ્જુ.
કસરત ચોક્કસપણે શરીર માટે સારી છે, પરંતુ સાંધાના ગંભીર રોગોમાં માત્ર તેના પર આધાર રાખવાને બદલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ સારવાર લેવી હિતાવહ છે.