ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે ભવ્ય મંદિરના નિર્માણની શુભ ઘડી નજીક આવી રહી છે. શ્રાવણ માસના પવિત્ર સોમવારથી ગણેશજીની પૂજા સાથે ત્રણ દિવસનું અનુષ્ઠાન શરૂ થયું છે, ત્યારે આવતી કાલે બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજનની વિધિ દ્વારા સંપન્ન થવા જઈ રહી છે.
અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે ત્રણ દિવસીય અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે. મંગળવારના રોજ રામ જન્મભૂમિ ખાતે વૈદિક રીતે વાસ્તુ શાંતિ, શિલા સંસ્કાર અને નવગ્રહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો બાદ હનુમાનગઢીમાં સવારે 8 વાગ્યાથી રામ અર્ચના શરૂ થશે. ઉપરાંત વર્ષમાં એક વખત થતી નિશાન પૂજા પણ કરવામાં આવશે. આવતી કાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવી પહેલા હનુમાનગઢી પહોચશે. ત્યારબાદ બપોરે 12:30 કલાકે જન્મભૂમિ પરિસરમાં વડાપ્રધાનના હસ્તે રામ મંદિરની ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવશે, ત્યારે રામ મંદિરના નિર્માણ વિધિ પ્રસંગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યાને સીલ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મંદિર નિર્માણની પુજાવિધિ અંગે ચાલતી તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે કોરોના અંગેના પ્રોટોકોલનું કડક અમલ કરવામાં આવશે. ઉપરાંત જે લોકોને આમંત્રણ પાઠવ્યું છે, માત્ર તેઓને હાજર રહેવા જણાવ્યુ હતું. જોકે આ ઐતિહાસિક ક્ષણ હશે જ્યારે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો નાખશે. ઉપરાંત તેમણે દેશની જનતાને દીવો પ્રગટાવવા હાકલ કરી હતી. અભિજિત મુહૂર્તને કારણે મંદિરના નિર્માણમાં કોઈ અડચણ આવશે નહીં, ત્યારે બુધવાર હોવાથી મંદિર નિર્માણની પુજાવિધિ કોઈપણ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થશે.