આજે ભારતનો 73મો ગણતંત્ર દિવસ છે, ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ અવસરે ખાસ રાજપથ પર ટેબલોના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. તો જુઓ દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીનો કેવો રહ્યો માહોલ...
આજે સમગ્ર દેશમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ટ્વિટરના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ દિલ્હી ખાતે વડાપ્રધાને સવારે 10.05 કલાકે નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. PM નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસના અવસર પર ઉત્તરાખંડની ટોપી પહેરી હતી. આ ટોપી પર બ્રહ્મકમલ ફૂલ અંકિત કરવામાં આવ્યું છે. બ્રહ્મા કમલ ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ છે.
દિલ્હીના લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજપથ પર આયોજિત પરેડમાં ટેબલોના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ કરાય હતી. આ ખાસ અવસર પર વિશ્વભરના નેતાઓએ ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત ભારતના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમને અભિનંદન પાઠવનારાઓમાં સામેલ છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સંરક્ષણ દળોના વડાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.