Connect Gujarat
દેશ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પોના આયોજન અંગે યોજી સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક યોજી હતી.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પોના આયોજન અંગે યોજી સમીક્ષા બેઠક
X

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક યોજી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની તૈયારીઓની આયોજીત સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત'નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ અગત્યનું સોપાન સિદ્ધ થશે. મુખ્યમંત્રીએ દેશના રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટની સહ-અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આયોજીત ડિફેન્સ એક્સ્પોના આયોજન માટેની એપેક્સ કમિટીની યોજાયેલી બેઠકમાં કહ્યું કે, ૧૦થી ૧૪ માર્ચ દરમિયાન એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું આયોજન સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ ઘટના છે.

મુખ્યમંત્રીએ ભારત સરકારના રક્ષા મંત્રાલયને ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સફળ અને ભવ્ય આયોજન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા આ સમિક્ષા બેઠકમાં વ્યક્ત કરી હતી. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતી રક્ષા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોની આ ૧૨મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઈવેન્ટ છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) ને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે.

'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના વર્ષે આયોજીત ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ 'પાથ ટુ પ્રાઈડ' છે જે ભારતના લોકોની સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસને પણ પ્રદર્શિત કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૬૩ દેશોના ૧૨૧ વિદેશી પ્રદર્શકો સહિત કુલ ૯૭૩ પ્રદર્શકો ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ માટે નોંધણી કરાવી ચૂક્યા છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજવામાં આવશે, જેમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બંને પ્રકારના સ્ટોલ હશે ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨નું આયોજન ત્રણ સ્થળોએ-ત્રણ ફોર્મેટમાં કરવામાં આવી રહ્યું છે જેમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે પ્રદર્શન; મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MMCEC) ખાતે ઇવેન્ટ્સ અને સેમિનાર અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે લાઇવ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે.

Next Story