જયપુરમાં સર્જાયો ભીષણ અકસ્માત
બેફામ ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત
17થી વધુ વાહનોને લીધા અડફેટમાં
10 લોકોના મોત 40થી વધુ ઇજાગ્રસ્ત
પોલીસ અને ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ
રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે જુદા જુદા વાહનોને ટક્કર મારતા 10 લોકોના મોત નિપજ્યા હતા,જ્યારે 40 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રાજસ્થાનના જયપુરમાં ભીષણ અકસ્માતની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.તેજ રફતાર ડમ્પરના ચાલકે એક પછી એક એમ 17 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા.સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા,જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય વાહનોને કચડી નાખ્યા હતા.ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી,અને ડમ્પરને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.વાહનો ક્ષતિગ્રસ્ત થયા બાદ ઈજાગ્રસ્ત લોકો કારની અંદર જ ફસાઈ ગયા હતા. તેમને કટિંગ મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ તો પોલીસ મૃતકોની ઓળખ કરી તેમના પરિજનોને જાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.