ભારતની જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ છે કેદ, ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને...
ભારતની જેલોમાં તેની ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ કેદ છે. ભારતના અલગ અલગ રાજ્યોની જેલોમાં 1 લાખ 28 હજાર 425 કેદીઓ તેમની ક્ષમતા કરતા વધુ કેદ છે.

ભારતની જેલોમાં તેની ક્ષમતા કરતા પણ વધુ કેદીઓ કેદ છે. ભારતના અલગ અલગ રાજ્યોની જેલોમાં 1 લાખ 28 હજાર 425 કેદીઓ તેમની ક્ષમતા કરતા વધુ કેદ છે. દેશની જેલોમાં કુલ 4 લાખ 25 હજાર 609 કેદીઓ રાખવાની ક્ષમતા છે, જ્યારે 5 લાખ 54 હજાર 34 કેદીઓ જેલમાં બંધ છે. એટલે કે, ક્ષમતા કરતા 1.28 લાખ વધુ કેદીઓ કેદ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું છે કે, દેશની જેલોમાં સજા પામેલા 1410 કેદીઓ તેમની સજા પૂર્ણ કર્યા પછી પણ દંડની રકમ ચૂકવી શકતા ન હોવાના કારણે જેલમાં કેદ છે. કેદીઓને તેમની ક્ષમતા કરતા વધુ જેલોમાં રાખવાના મામલામાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે. ઉત્તર પ્રદેશની જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા 63751 છે, જ્યારે વાસ્તવમાં જેલોમાં 117789 કેદીઓ છે. એટલે કે, 53038 કેદીઓ તેમની ક્ષમતા કરતા વધુ જેલોમાં બંધ છે. બીજા નંબર પર બિહાર છે, જ્યાં જેલમાં 47750 કેદીઓને રાખવાની ક્ષમતા છે, જ્યારે તેમની કુલ સંખ્યા 66879 છે. એટલે કે, 19129 કેદીઓને ક્ષમતા કરતા વધુ રાખવામાં આવ્યા છે. UP અને બિહાર પછી મધ્યપ્રદેશ ત્રીજા નંબરે છે, જ્યાં જેલોની કુલ ક્ષમતા 29571 છે, જ્યારે કેદીઓની સંખ્યા 48513 છે. અહીં 18942 કેદીઓને વધારાના રાખવામાં આવ્યા છે. તો ચોથા નંબર પર મહારાષ્ટ્ર છે, જ્યાં જેલમાં 24722 કેદીઓને રાખવાની ક્ષમતા છે, જ્યારે અહી 36885 કેદીઓ કેદ છે. આ સિવાય આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો તેમની ક્ષમતા કરતા વધુ કેદીઓ ધરાવતા રાજ્યોમાં સામેલ છે. ગુજરાતમાં આવેલી જેલો હાઉસફુલ થઇ છે. ગુજરાતમાં હાલમાં જેલની કેપેસિટી 13, 999 કેદીની છે. હાલમાં 16,597 જેટલા કેદી બંધ છે. જેલની કેપિસીટી કરતા બમણા કેદી એટલે કે 23 હજાર આરોપી હજુ તો ભાગેડુ જાહેર કરાયા છે, ત્યારે ગુજરાતમાં હજી 23 હજાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.