બિહારમાં શ્રાવણનો ચોથો સોમવાર ગોઝારો સાબિત થયો હતો અને ફરી એકવાર ધાર્મિક સ્થળ નાસભાગની ઘટનાથી લોહિયાળ બન્યું હતું. બિહારના જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં આજે શ્રાવણના ચોથા સોમવારના દિવસે સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 થી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી હતી. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વઘારો થવાની પણ સંભાવના છે.
બિહારના જહાનાબાદ જિલ્લાના મખદુમપુરમાં ઐતિહાસિક વણવર ટેકરી પર આવેલા સિદ્ધેશ્વર નાથ મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ મચી ગઇ હતી. અસલમાં આ નાસભાગ ત્યારે મચી જ્યારે મંદિર પરિસરની સીડી પર એક શિવભક્ત નો ફૂલના દુકાનદાર સાથે ઝઘડો થયો હતો. ત્યારે દુકાનદારે શિવભક્ત પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી બંને એકબીજા સાથે મારપીટ કરવા લાગ્યા, દરમિયાન આ ઘટનાને કારણે નાસભાગ મચી ગઈ હતી, અને 7 થી વધુ લોકોના મોત થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ ઘાયલોને મખદુમપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ 7 થી વધુ લોકોને મૃત જાહેર કર્યા હતા.