મુંબઈને વરસાદનો વિરામ : થાણે-ST, ટ્રેનવ્યવહાર ઠપ, જાણો મધ્ય-પશ્ચિમ લાઈનની સ્થિતિ

વેસ્ટર્ન રેલવે પણ ખૂબ જ લથડાતી ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update
rain

મુંબઈઃ મુંબઈમાં જળપ્રલય જેવી સ્થિતિ છે અને તેવામાં મુંબઈની લાઈફલાઈન એવી લોકલ લગભગ ઠપ થઈ ગઈ છે.

મુંબઈની બાજુમાં જ આવેલા થાણે જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ હોવાથી વસઈ, વિરાર, સહિતના તમામ પરાઓમાં રેલવે ટ્રેક પર પણ ઘુંટણસમા પાણી છે. તાજેતરમાં જ રેલવેએ આપેલી જાણકારી અનુસાર થાણેથી સીએસટી સુધીનો રેલ વ્યવહાર હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર એક તો મીઠી નદી જોખમી સ્તરે પહોંચી ગઈ છે અને બીજી બાજુ હાઈ ટાઈડ હોવાથી સમસ્યામાં વધારો થયો છે. આને કારણે માટુંગા અને કુર્લાના રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા છે અને મધ્ય રેલવેને પણ ભારે અસર થઈ છે. થોડા સમય પહેલા 40 મિનિટથી 50 મિનિટ મધ્ય રેલવે મોડી ચાલતી હતી, પરંતુ હાલમાં લગભગ ઠપ જેવી સ્થિતિ છે.

વેસ્ટર્ન રેલવે પણ ખૂબ જ લથડાતી ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે. ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દશ્યો મુંબઈમાં સર્જાયા છે. 

ગઈકાલે મોડી રાત્રે સ્કૂલ-કોલેજ બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. આજે સવારે વરસાદની સ્થિતિ જોતા સરકારી અને અર્ધ સરકારી ઓફિસોને પણ બંધ રાખવાનો આદેશ અપાયો હતો. આ સાથે ખાનગી એકમો પોતાના કર્મચારીઓને શક્ય હોય તો ઘરેથી જ કામ કરવા જણાવે, તેવી વિનંતી પણ મુંબઈ પોલીસ અને પાલિકાએ કરી હતી.

હાલમાં પાલિકા અને પોલીસના કર્મીઓ સહિત સમગ્ર તંત્ર ખડે પગે સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયત્નો કરી રહ્યું છે. ઉપ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા છે. બીજી બાજુ સ્થાનિક લોકો અને સ્વંયસેવકો પણ રસ્તા પર લોકોની મદદ કરવા દોડી રહ્યા છે.

કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ પાલિકા ખાતે વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

જોકે અત્યંત ગીચ વસ્તી, આડેધડ બાંધકામ ગેરકાયદે વિકસતી ઝૂંપડપટ્ટીઓને લીધે મુંબઈ વરસાદી આફતનો સામનો કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યું છે અને લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.

 Mumbai | Heavy Rain | monsoon season 

Latest Stories