મહારાષ્ટ્રમાં રાજ્યના બુલઢાણા જિલ્લામાં આવેલા ત્રણ ગામનાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ અચાનક ફટાફટ ઉતારવા લાગતા દહેશતનું વાતાવરણ નિર્માણ થયું છે.
બુલઢાણા જિલ્લાના શેગાવ તાલુકામાં આવેલાં બોંડગાવ, કાલવડ અને હિંગણા નામનાં ગામોમાં રહેતા મહિલાઓ અને પુરુષોના વાળ અચાનક ઉતરવા લાગ્યા છે. જેમના વાળ ઉતરવા લાગ્યા છે અને માથું લગભગ સફાચટ થઈ ગયું છે,તેમના માથામાં થોડા દિવસ પહેલા ભરપૂર વાળ હતા.અચાનક વાળ ઉતરવા લાગતા વાયરસને લીધે આવું થઈ રહ્યું હોવાની દહેશતથી આ ગામોમાં ફફડાટ વ્યાપી ગયો છે.જેમના વાળ ઉતરી ગયા છે તેમને પહેલા માથામાં ખંજવાળ આવવા લાગી હતી. તેઓ માથુ ખંજવાળતા ત્યારે તેમના હાથમાં વાળનો ગુચ્છો આવી જતો હતો. બે-ત્રણ દિવસમાં તો આ લોકોના માથાના તમામ વાળ ઉતરી જવાથી તેઓ ટાલિયા થઇ ગયા હતા. વાળ ઉતારવાની માહિતી મળતા આરોગ્ય વિભાગે આની પાછળનું કારણ જાણવા માટે ગામમાં સર્વેક્ષણ હાથ ધર્યું છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રદુષિત પાણીના ઉપયોગથી આ ઘટના બની હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે,ત્યારે આરોગ્ય વિભાગની યોગ્ય તપાસ બાદ જ હકીકત જાણી શકાશે.