લોકસભાની 543માંથી 542 બેઠકો પર આજરોજ મત ગણતરી યોજાય હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. તો ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સીટ જીતી લીધી છે. જોકે, 3 વખતમાં આ તેમની સૌથી નાની જીત છે. PM મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. અત્યાર સુધીનાં પરિણામો અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની રહી છે, પરંતુ આ વખતે સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં હશે. આવી સ્થિતિમાં ભાજપને તેના મુખ્ય એજન્ડાને આગળ વધારવામાં ઝટકો લાગી શકે છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 14 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો છે. જોકે, આ બેઠક ઉપર દેશના ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો છે. ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની 9.80 લાખ કરતાં પણ વધુ મતોથી ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે, તેઓએ 2019નો એમનો ખૂદનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ 7 લાખથી વધુ વોટથી જીત મેળવી છે.
ગત તા. 7 મે, 2024ને મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું. જેમાં ઉત્તર ગુજરાતની પાંચેય બેઠકો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ 62.08 ટકા મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસડેરીના આધસ્થાપક ગલબા કાકાના પુત્રવધૂ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી બેઠક પર ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે. પોતાની ભવ્ય જીત બાદ ગેનીબેન ઠાકોર પાલનપુરના પાતાળેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા,જ્યાં બનાસવાસીઓએ ગેનીબેન ઠાકોરનું મામેરુ ભર્યું હતું.