“જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડમાં રહેતા એક પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. તેમના આ સંઘર્ષમાં ગુજરાત સરકાર સતત તેમની પડખે રહી હતી. આદિવાસી સમાજના બાળકોના સપના આસમાનની બુલંદીઓ સુધી પહોંચે તે માટે ઉચ્ચ શિક્ષણ અર્થે વિદેશ જવા નજીવા દરે રાજ્ય સરકાર દ્વારા રૂ. 15 લાખ સુધીની લોનની સહાય આપવામાં આવે છે. આ લોનની સહાય ખુલ્લા આસમાનમાં ઉડવા માટે પાંખો મળી હોય એમ પૂરવાર થઈ. ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો છે. હાલ માત્ર નેશનલ જ નહીં પણ ઈન્ટરનેશનલ ફલાઈટ પણ ઉડાવી પોતાનું સપનુ તો સાકાર કર્યુ જ સાથે સમસ્ત આદિવાસી સમાજ અને વલસાડ જિલ્લાનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે.
વલસાડ તાલુકાના રાબડા ગામના વતની અને હાલમાં શહેરના બેચર રોડ પર હાઈવે પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ ઠાકોરભાઈ પટેલ ગોરગામ ગામમાં બેંક ઓફ ઈન્ડિયામાં કેશિયર છે. સંતાન પેટે તેમને બે દીકરી મિતાલી અને દિવ્યા છે, જ્યારે પત્ની હેમલતાબેન ગૃહિણી છે. દીકરી મિતાલીએ વલસાડની સેન્ટ જોસેફ ઈ.ટી હાઈસ્કૂલમાંથી વર્ષ 2009માં ધો. 12 પાસ કર્યા બાદ કેરિયર માટે તેની પાસે ઘણા બધા વિકલ્પો હતા. મોટેભાગે બધા મેડિકલ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાય પરંતુ મિતાલીના મનમાં કંઈક અલગ જ વિચાર ચાલતો હતો. તેણે માતા-પિતાને કહ્યું કે, મારે બધા કરતા કંઈક હટકે બનવું છે. જેથી પાઈલોટના અભ્યાસ માટે મુંબઈની વાટ પકડી હતી ત્યારબાદ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ અને નોકરી મેળવવા સુધી લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો.
પરંતુ તેમ છતાં પિતા હિતેશભાઈ અને માતા હેમલતાબેન મનોબળ હાર્યા નહી અને દીકરીને ભણાવવા માટે જીવનભરની પૂંજી ખર્ચી નાંખી તેમ છતાં આર્થિક કટોકટી જણાઈ હતી. મનમાં તો નક્કી હતું જ કે, દીકરીને કોઈ પણ ભોગે પાયલોટ તો બનાવવી જ છે. પછી ભલેને મિત્રો પાસે હાથ લંબાવવા પડે. આ કશમકશ અને હતાશા ભરી સ્થિતિમાં તેમણે એક દિવસમાં વર્તમાન પત્રમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિવાસી બાળકો આગળ વધે તે માટે પાયલોટ યોજના હેઠળ રૂ. 15 લાખ સુધીની લોનની સહાય વિદેશ અભ્યાસઅર્થે માત્ર 4 ટકાના નજીવા વ્યાજના દરે મળે છે એવુ વાંચ્યું હતું. તેમાં સૌથી મોટી રાહત એ હતી કે, લોન લીધાને બીજા જ મહિનેથી નહીં પરંતુ 1 વર્ષ બાદ સરળ હપ્તેથી 15 વર્ષ સુધીમાં લોન ભરવાની હતી. જેથી પિતા હિતેશભાઈના હૈયે ટાઢક વળી કે, હવે મારી દીકરીનું પાયલોટ બનવાનું સપનુ ગુજરાત સરકારની મદદથી જરૂર સાકાર થશે. તુરંત જ વલસાડ જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં પહોંચી વિદેશ અભ્યાસ અર્થે લોનની સહાય માટે અરજી કરી અને માત્ર એક મહિનામાં જ લોન મંજૂર થતા રૂ. 15 લાખનો ચેક ગાંધીનગરથી મળતા મિતાલીની કારકિર્દીની શરૂઆત થઈ.
નાનકડા વલસાડ ટાઉનથી સીધી અમેરિકાના કેલિફોર્નિયામાં પહોંચી કમર્શિયલ પાયલોટ લાઈસન્સ (સીપીએલ)ની ટ્રેનિંગ સવા વર્ષમાં પૂર્ણ કરી સ્વદેશ પરત ફરી હતી. અહીં વિદેશનું લાઈસન્સ કન્વર્ટ કરાવ્યા બાદ પાયલોટ માટેની નોકરી માટે પહેલા રેડિયો ટેલિફોનિક પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડે તેમ હોવાથી આ પરીક્ષા પાસ કર્યા બાદ એરબસની ટ્રેનિંગ માટે અબુધાબી જવુ પડ્યું હતું. જ્યાં બે માસની તાલીમ બાદ પરત ભારત આવી વિવિધ એર લાઈન્સમાં લેડી પાયલોટની ભરતી માટે ન્યૂઝ પેપરમાં જાહેરાતો વાંચી વર્ષ 2017માં ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જેમાં ઈન્ડિંગો એરલાઈન્સમાં વર્ષ 2019માં ચેન્નાઈ એરપોર્ટ પર નોકરી મળી હતી. ત્યારે પ્રારંભિક પગાર રૂ. 90 હજાર હતો અને હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિતાલી રૂ. 1.50 લાખના પગાર ધોરણે પાયલોટ તરીકે ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડાવી રહી છે. આમ, ગુજરાત સરકારની સહાયથી મિતાલીનું આકાશમાં ઉડવાનું સપનુ સાકાર થયું સાથે આદિવાસી સમાજના અનેક દીકરા-દીકરીઓ માટે પ્રેરણારૂપ પણ બની છે.