/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/3_1538465822.jpg)
સ્થાનિક અધિકારીઓએ સુલાવેસીમાં 14 દિવસની ઇમરજન્સી જાહેર કરી
ઇન્ડોનેશિયામાં ગત શુક્રવારે આવેલા 7.5ની તીવ્રતાના ભૂકંપ અને સુનામી બાદ આજે મંગળવારે વધુ એક ભૂકંપ આવ્યો હતો. સાઉથ ઇન્ડોનેશિયાના આઇલેન્ડ ફ્લોર્સમાં મંગળવારે વહેલી સવારે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, આ આંચકા બાદ હજુ સુધી કોઇ ગંભીર નુકસાન અંગેની માહિતી નથી. ફ્લોર્સ સાઉથ સુલાવેસી આઇલેન્ડથી 1600 કિમીના અંતરે આવેલું છે. આ ભૂકંપમાં 1200થી વધુ લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મૃતકોને દફનાવવા માટે ભલભલાના કાળજા કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રેસ્ક્યૂ ટીમે સામૂહિક દફનવિધિ માટે પાલુના પર્વતીય વિસ્તાર પોબોયામાં 100 મીટર લાંબી કબર ખોદી હતી. રાહત કેમ્પમાં રહેતા પરિવારોએ પોતાના સગા-વહાલાની ઓળખ કરવા માટે મૃતદેહોની ઓળખ કરી હતી. સ્થાનિક અધિકારીઓએ સુલાવેસીમાં 14 દિવસની ઇમરજન્સી જાહેર કરી છે. કુદરતી આપત્તિ બાદ ખરાબ થઇ ગયેલા મૃતદેહોના કારણે બીમારીઓ ફેલાય નહીં તે માટે સરકારે અંતિમ સંસ્કાર વહેલામાં વહેલી તકે કરવાના આદેશ આપ્યા છે.
આપત્તિના ચાર દિવસ બાદ પણ હજુ કેટલાંક અંતરિયાળ વિસ્તારોમાં સંપર્ક થઇ શક્યો નથી. ઓથોરિટીને હજુ પણ આ વિસ્તારો સાથે સંપર્ક થયા બાદ મૃત્યુઆંક વધવાની આશંકા છે. દવાઓ ખતમ થઇ રહી છે અને બચાવ કાર્યકરો તૂટી પડેલી ઇમારતોના કાટમાળની નીચે દબાયેલા પીડિતોને કાઢવા માટે ભારે ઉપકરણોની અછતનો સામનો કરી રહ્યા છે.