/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-285.jpg)
જામનગરમાં રંગમતી નાગમતી નદી નજીક રિસાઈકલિંગ પ્રોજેકટની મશીનરી કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી છે. જે છેલ્લા ૬ મહિનાથી ધૂળ ખાઈ રહી છે અને મશીનથી કામ શરૂ થતાં હજુ ૬ મહિના જેટલો સમય લાગશે. આજે વિરોધપક્ષના મહિલા કોર્પોરેટરો દ્વારા પ્રોજેકટની સ્થળ મુલાકાત લઈ કંપની અને અધિકારીઓની પોલ છતી કરી હતી. જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓના સંકલનનો અભાવ અને પૂર્વ આયોજનની કચાશ ઉડીને આંખે વળગે છે.
જામનગરમાં રંગમતી નાગમતી નદીના કિનારે જામનગર મહાનગરપાલિકા અને નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ નામની કંપની સૂકા કચરાનું વર્ગીકરણ કરીને તેને રિસાઈકલિંગ માટે મોકલવાનું કામ કરે છે. જામનગરમાં પણ આ પ્લાન્ટ ૬ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. જે હાલ ધૂળ ખાઈ રહ્યો છે અને કચરાનો નિકાલ કરતો પ્રોજેકટ ખુદ કચરો બની રહી ગયો છે. જામનગરમાંથી કચરો એકત્ર કર્યા પછી તેને ભીનો અને સૂકો એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને સૂકો કચરો રંગમતી - નાગમતી નદીના કિનારે સ્થપાયેલાં પ્રોજેકટ સ્થળે મોકલવામાં આવે છે. જ્યાં કચરાનું પ્રોસેસિંગ કરવામાં છે પણ શેડના અભાવે હાલ મશીનરી ધૂળ ખાતી પડી છે. ત્યારે વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરો જેનમબેન ખફી, જેતૂનબેન રાઠોડ,નિતાબેન પરમાર ઉપરાંત સહારાબેન મકવાણાએ આજે પ્રોજેકટ સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ અને નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ કંપનીની પોલ ખોલી નાખી હતી.
દરરોજની ૩૦ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતો પ્રોજેકટ પ્રતિ ટન રૂપિયા ૧૨૯ જામનગર મહાનગર પાલિકાને ચૂકવે છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ શાખાના ઇજનેર હસમુખ બેરાને પૂછતા તેમણે જણાવ્યુ કે, મશીનો ચાલુ હાલતમાં છે અને મહાનગર પાલિકાએ કંપનીને ફક્ત રૂપિયા ૨૫ લાખના ખર્ચે જગ્યા આપી છે અને મશીન કંપનીના પોતાના છે. જ્યારે વધુ વિગતો આપવાનું કહેતા તેમને કઈક જણાવવા માટેનો ઇનકાર કર્યો હતો, તેમજ આ અંગે નેપ્રા રિસોર્સ મેનેજમેંટ કંપનીના અધિકારીઓનાં સંપર્ક કરતાં તેમણે પણ કઈક જણાવવા ઇનકાર કર્યો હતો.