જમ્મુ અને કાશ્મીરના શોપિંયા જિલ્લાના વાંગમ વિસ્તારમાં સંરક્ષણ દળોની એક સંયુક્ત ટૂકડીને ગામમાં આંતકવાદીઓ હોવાની બાતમી મળી હતી. આ મળેલી બાતમીના આધારે સંરક્ષક દળો દ્વારા વાંગમમાં આતંકવાદીઓને શોધવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શોધ અભિયાન દરમિયાન આતંકવાદીઓ દ્વારા સંરક્ષણ દળની ટૂકડી ઉપર ગોળીબાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે સંરક્ષણદળ દ્વારા પણ જવાબી ગોળીબારી કરવામાં આવી હતી. આતંકવાદીઓ અને સંરક્ષણ દળ વચ્ચે થયેલી આ અથડામણમાં બે આંતકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય સંરક્ષણ દળના એક જવાનને શહીદી પ્રાપ્ત થઇ હતી. સેનાના વધુ એક જવાન ઈજાગ્રસ્ત થતાં શ્રીનગરની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના શોપિંયા જિલ્લાના વાંગમ વિસ્તારમાં માર્યા ગયેલા બન્ને આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે તથા તેમની પાસેથી મળી આવેલા હથિયાર અને દારૂગોળાને જપ્ત કરવામાં આવ્યો છે.