Connect Gujarat
ગુજરાત

ભરૂચ : “ગ્રાહકોને ધરમધક્કા”, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 11 દિવસથી સર્વર ઠપ્પ

ભરૂચ : “ગ્રાહકોને ધરમધક્કા”, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 11 દિવસથી સર્વર ઠપ્પ
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમમાં ખરાબી આવી છે. છેલ્લા ૧૧ દિવસથી મુખ્ય બ્રાન્ચ સહીતની અન્ય પોસ્ટ ઓફિસો બંધ રહ્યા બાદ પણ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જેના કારણે ગ્રાહકોને ધરમધક્કા ખાઈને નિરાશા સાથે પરત ઘરે ફરવું પડે છે.

ઝઘડીયા તાલુકાની ૧૬ બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચી છે, તેમ છતાં જિલ્લા પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ સિસ્ટમ ઠપ્પ થવાની બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવતા નથી. છેલ્લા ૧૧ દિવસથી ગ્રાહકોને રોજ એક જ જવાબ આપવામાં આવે છે કે, સર્વર ખરાબ થયું છે. પણ સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઇડીસી, ઝઘડિયા કોર્ટ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકો ટપાલ, રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજનાના અલગ અલગ કામો અર્થે આવતા હોય છે. પરંતુ છેલ્લા ૧૧ દિવસથી સર્વર ઠપ્પ થવાથી તમામ કામગીરી ખોરંભે પડી છે. જેના કારણે પોસ્ટની એનએસસી, કેવીપી, એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ, પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઇ જેવી મુખ્ય સેવાઓ બંધ થતાં પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા પડ્યા છે. ત્યારે હજારોની સંખ્યા પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો છેલ્લા બે અઠવાડિયાથી હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે.

સમગ્ર મામલે ઝઘડીયાની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ ઇન્સ્પેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત માટે સંપર્ક સાધતાં તેઓએ વાત સુદ્ધા કરવાની તસ્દી લીધી ન હતી. ઉપરાંત જિલ્લા મથકે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટનો સંપર્ક કરાતા તેમના ટેલિફોન બંધ હાલતમાં હોવાના મેસેજ મળ્યા હતા. જિલ્લા પોસ્ટ માસ્ટર ઝઘડિયાની પોસ્ટ ઓફિસ માટે બેદરકારી દાખવી રહ્યા છે તે ખૂબ શરમજનક બાબત કહેવાય તેમ છે, ત્યારે હવે જિલ્લા પોસ્ટ માસ્ટર વિરૃદ્ધ પગલાં ભરવા જોઈએ તેવી પોસ્ટ ગ્રાહકો માંગ કરી રહ્યા છે.

Next Story