જુનાગઢ શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે NCP દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં NCPના અગ્રણી રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે. જેમાં શહેર, હાઈવે સહિત નેશનલ હાઈવે પર મોટા મોટા ખાડા પડ્યા હોવાથી અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત બિસ્માર માર્ગના કારણે બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવું પણ ખૂબ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
જુનાગઢ શહેર તથા જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી તમામ માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે. શહેરમાં પડેલા ઉબડખાબડ માર્ગના કારણે NCPના અગ્રણી રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં NCPના કાર્યકર્તાઓ તગારા અને પાવડા લઈને ખાડાઓ પુરવા રોડ પર ઉતરી આવ્યા હતા. શહેરના ગાંધી ચોક અને અન્ય માર્ગમાં પડેલા ખાડાઓને પુરાવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે ભાજપ સરકારમાં ચાલતી પોલંપોલને ખુલ્લી પાડી લોકોના હિતમાં રજૂઆત કરવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપનો વિકાસ ખાડામાં જઈ રહ્યો હોવાની રાવ સાથે NCPના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. “ભાજપ હાય હાય”ના નારા સાથે માર્ગ પર ચક્કાજામ થતાં પોલીસ દ્વારા NCPના અગ્રણી રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.