ખેડા જિલ્લાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કેન્દ્રિય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાર્તમૂર્હત કરવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનાર પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રિય રાજયકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવિન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે, જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે. જ્યારે શ્રધ્ધેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાસન ધુળા સંભારી અને ત્યાર બાદ દેશની શાસન ધુળા સંભાળી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઇ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે, અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘરે જઇને પણ આપવામાં આવે છે. જયારે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ રૂ. પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે.
કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ ઉપસ્થિત જનમેદનીને સરકારની મળવાપાત્ર દરેક યોજનાઓનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી. અહિંયા આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમારી વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખુબ જ લાભ થશે. તેઓએ સરકારી સંસાધનોને સાચવવા તેમજ તેની સ્વચ્છતા જાળવી રાખવા પણ જાહેર અપીલ કરી હતી. ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે. સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટીબધ્ધ છે. ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનનાર છે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે ૨૫.૫૦ લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ ૭૮ લાખ જેટલો ખર્ચ થશે. આ ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાંથી મંજૂર કરવામાં આવેલ છે. આ બાંધકામ ૧૦૦ ચો.મીના વિસ્તારમાં બનનાર છે. તેઓએ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય શાખા તરફથી થયેલ કામગીરીને બિરદાવી હતી.
