જગ વિખ્યાત ડાકોરના રાજા રણછોડરાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમ અને તેની આગળ પાછળના દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે ભકતોની ભારે ભીડ થતી હોય છે. આ બાબતને ધ્યાને લઇ શ્રધ્ધાળુઓ સહેલાઇથી અને સરળતાથી દર્શનનો લાભ મેળવી શકે તે માટે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ ડાકોર પદયાત્રામાં જોડાતા પદયાત્રીઓ, પદયાત્રા માર્ગો ઉપર ભંડારા તેમજ સેવાયજ્ઞમાં જોડાતી સેવાભાવી સંસ્થાઓ તેમજ ખેડા જિલ્લાના ડાકોર જતા માર્ગોના ગામના રહેવાસીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા, માર્ગો પર સ્વચ્છતાની કાળજી રાખવા તેમજ કચરા માટે કચરાપેટીનો મહત્તમ ઉપયોગ કરવા માટે જાહેર અપીલ કરી છે. આ સાથે જ ખેડા જિલ્લા વહીવટી તંત્રને શહેરીજનો તેમજ બહારગામથી આવતા લોકો સાથ અને સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
