કચ્છ: અંજારમાં તસ્કરોએ ચોરીના પ્રયાસ સાથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી બે ગાર્ડની કરી હત્યા

New Update
કચ્છ: અંજારમાં તસ્કરોએ ચોરીના પ્રયાસ સાથે તીક્ષ્ણ હથિયારના ઘા મારી બે ગાર્ડની કરી હત્યા

કચ્છનાં અંજારમાં ગત રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ બે અલગ અલગ સ્થળે ચોરીના પ્રયાસ કરી બંને સ્થળે ચોકીદારી કરી રહેલાં બે સિક્યોરીટી ગાર્ડની છરી જેવાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવતાં ભારે ચકચાર મચી ગઈ છે.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ પહેલો બનાવ અંજાર જીઆઈડીસી નજીક આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટી ખાતેના રહેણાંક મકાનમાં બન્યો હતો.

સોસાયટીમાં આવેલાં 80-સી નંબરના મકાનના તાળાં તોડી બે અજાણ્યા શખ્સોએ મકાનમાં રહેલો પ્લાસ્ટિકનો સરસામાન, નળ વગેરે મળી 10 હજાર રૂપિયની ચોરી કરી હતી. તે સાથે તસ્કરોએ સોસાયટીનું રખોપું કરતાં ખોડા લાખા રબારી નામના ચોકીદાર પર છરી વડે હુમલો કરી તેનું મોત નીપજાવ્યું હતું.

સિક્યોરીટી ગાર્ડની હત્યાનો બીજો બનાવ અંજારના વરસાણા નજીક આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં બન્યો હતો. ફેક્ટરીમાં ચોરીના ઈરાદે કમ્પાઉન્ડ વૉલ કૂદીને ત્રાટકેલાં પાંચથી છ અજાણ્યા તસ્કરોએ અહીં તૈનાત રામભાઈ કરસનભાઈ નામના સિક્યોરીટી ગાર્ડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી બંને ઘટનામાં ચોરીના ઈરાદે ત્રાટકેલાં તસ્કરોએ ચોકીદારોની નિર્મમ હત્યા કરી છે. ત્યારે, આ બનાવમાં કોઈ એક જ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે અંજાર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ચોરીના ઈરાદે સિક્યોરીટી ગાર્ડના ડબલ મર્ડરના બનાવથી અંજારની આમ જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Latest Stories