/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-357.jpg)
જન્માષ્ટીના દિવસે માંડવીના દરિયાકાંઠે ફરવા આવેલાં ચાર યુવકો ડૂબી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જેમાંથી બે યુવકને સ્પીડબોટ દ્વારા બચાવી લેવાયાં હતા. જ્યારે બે યુવક લાપત્તા બન્યાં હતા. જેમાંથી આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલી રહી છે.
આઠમના પર્વ નિમિત્તે માંડવી બીચ પર સવારથી જ હજારો સહેલાણીઓ ઉમટી પડ્યાં હતા.દરમિયાન, દરિયામાં ન્હાવા પડેલાં 4થી 5 યુવકો પાણીના મોજા સાથે ખેંચાઈ જતા દોડધામ મચી ગઈ હતી.દરિયા કાંઠે હાજર સ્પીડબોટ સંચાલકોએ ગાંધીધામના ચેતન ધીરજલાલ ઠક્કર અને વિમલ વીરમભાઈ મહેશ્વરીને બોટમાં ખેંચી લઈ બચાવી લીધા હતા. જો કે, વિમલનો ભાઈ હિંમત વીરમ મહેશ્વરી મોજા સાથે તણાઈ ગયો હતો. ભારે શોધખોળ છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આજે સવારે માંડવી કસ્ટમ હાઉસ પાછળના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તો દરિયામાં નહાવા પડેલો ભુજના લાખોંદ ગામનો જીતેશ લાલજી કોલી નામનો યુવક પણ દરિયામાં ગરકાવ થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.