કચ્છ જિલ્લાના ભુજ ખાતે સૌપ્રથમ વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં યુવાઓએ ઉત્સાહપૂર્વક બાઇક અને કારમાં આવી કોરોનાની રસી મુકાવી હતી. જોકે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોરોના સંક્રમણ ઘટાડવા માટે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો પ્રયાસ ખૂબ આવકારદાયક છે.
કચ્છ જિલ્લાના ઈન્ચાર્જ કલેક્ટર અને DDO દ્વારા એક નવતર પ્રયોગના ભાગરૂપે 18થી વધુ વર્ષની વય ધરાવતા યુવાઓ માટેની વેક્સિન ડ્રાઈવ ભુજ શહેરમાં રાખવામાં આવી છે. ભુજના આર.ડી.વરસાણી શાળાના ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના વાહનમાં જ બેસીને વેક્સિન લઈ આ સુવિધાનો યુવાઓ સહિત અનેક શહેરીજનોએ લાભ લઈ વહીવટી તંત્રની આ પહેલ આવકારી હતી.
ભુજ ખાતે રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના પ્રયાસથી લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સ પ જળવાઈ રહે છે. આ થકી લોકોમાં કોરોના ઇન્ફેક્શનનો વ્યાપ પણ ઘટાડી શકાય છે. વાહનમાં જ બેસીને રસી લેવાની હોવાથી સંક્રમણ અટકશે, તો સાથે જ લોકોમાં રસી લેવા માટેનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.