કચ્છ : ભારતીય સૈન્યની 1971 કિ.મી. લાંબી યોજાઇ સાયકલ રેલી, જાણો શું છે રેલીનો ઉદ્દેશ્ય..!

New Update
કચ્છ : ભારતીય સૈન્યની 1971 કિ.મી. લાંબી યોજાઇ સાયકલ રેલી, જાણો શું છે રેલીનો ઉદ્દેશ્ય..!

ભારત-પાકિસ્તાનના યુદ્ધના વિજય વર્ષની ઉજવણી માટે કચ્છનાં સરહદી લખપત બોર્ડરથી લોંગેવાલા સુધી બીએસએફ જવાનો દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલી ટીમોને લખપત બોર્ડર બીઓપી 1175 પરથી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.

વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા યોજિત ગુજરાત અને રાજસ્થાનમાં 1971 કિલોમીટર લાંબી સાયકલ રેલીને 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહે લખપત પોસ્ટ વિસ્તારમાંથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક-સેનિટાઇઝેશન રહેશે. આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર તેમજ કોઇપણ સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરવામાં આવશે.

1948, 1965 અને 1971ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને 10 દિવસની સાયકલ રેલી દરમ્યાન સન્માનિત કરવામાં આવશે. આ સાઇકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામાં આવશે, જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાયકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલીનું તા. 6 ડિસેમ્બર 2020ના રોજ લોંગેવાલા ખાતે સમાપન કરવામાં આવશે.

Latest Stories