Connect Gujarat
Featured

કચ્છ : માંડવીના શિક્ષકનો નવતર પ્રયોગ, ઘરે ઘરે શિક્ષણના ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું “શિક્ષણ રથ”

કચ્છ : માંડવીના શિક્ષકનો નવતર પ્રયોગ, ઘરે ઘરે શિક્ષણના ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું “શિક્ષણ રથ”
X

રાજ્યમાં શાળાઓ બંધ છે પણ શિક્ષક ધારે એ કરી શકે,કચ્છમાં સરકારી શાળાના શિક્ષકે કરેલી પહેલને હવે રાજ્યભરમાં આવકાર મળ્યો છે. બાળકો શાળાએ જઈ શકતા નથી પણ શિક્ષકો તો બાળકોના દ્વારે આવી શકે છે તેવા હેતુ સાથે કચ્છનાં માંડવી તાલુકાના બાગ ગામે ડિજિટલ શાળા બનાવાઇ છે જેનું નામ છે શિક્ષણ રથ. જુઓ આ રથની શિક્ષણ યાત્રા

ગુજરાતની પ્રથમ ડિજિટલ શાળાથી બાળકોને ઘેરઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે વિશાળ એવા સરહદી ક્ચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા મસ્કા ગામના શિક્ષકે રાજ્યમાં પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે માંડવી તાલુકાના બાગ ગામે સ્થિત હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં આ આધુનિક શિક્ષણનો પ્રથમવાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કોરોના મહામારીના સમયગાળામાં શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે, ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવ્યો અને તેમણે રાજયની પ્રથમ હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવીને વિચારને મૂર્તિમંત કર્યો હતો. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો છે. મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના થકી બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે. બાળકો અને વાલીઓનો પણ આ અલગ પહેલને આવકાર મળી રહ્યો છે .

મસ્કામાં શિક્ષણ રથના આ પ્રયાસને લોકો વખાણી રહ્યા છે બાળકો શાળામાં નથી જઇ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામ ને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું છે. શિક્ષણ રથ એ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે. કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે શિક્ષકે ડિજિટલ રીતે શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જે લોકો પાસે મોબાઈલ ન હોય તેઓ માટે પણ આ આવકારદાયક પહેલ છે.

સામાન્ય રીતે બાળકો પ્રેક્ટિકલ જ્ઞાન વધારે સરળતાથી સમજી શકે છે જેથી મસ્કાના શિક્ષકે આ શિક્ષણ રથની રચના કરી છે તેઓ ગામમાં શેરીઓ અને વાડીઓમાં જઈ 8 થી 10 બાળકોના ગ્રૂપ બનાવી એલઇડી સ્ક્રીન મારફતે શિક્ષણની સમજૂતી આપી રહ્યા છે. બાળકો પણ કોરોના મહામારીમાં સ્કૂલે ગયા નથી ત્યારે શાળાએ આવ્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. કોરોના કાળમાં બાળકોને તેમના ઘેર શિક્ષણ મળી રહ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બાળકોને અભ્યાસ કરાવાય છે. વિદ્યાર્થીઓ પણ ખુશ છે ગ્રામજનો પણ શિક્ષકના પ્રયાસને વખાણી રહ્યા છે.

Next Story