/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15153542/KUTCH-1.jpg)
કેન્દ્ર સરકારે ટ્રીપલ તલાક પર પ્રતિબંધ
મુકતો કાયદો ઘડ્યો છે. આ કાયદા હેઠળ કચ્છમાં પહેલીવાર એક મુસ્લિમ પરિણીતાએ તેના
પતિ અને સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગાંધીધામના કિડાણામાં માવતરે રહેતી 24 વર્ષિય પરિણીતાએ પતિએ
મોબાઈલ ફોન પર ત્રણ વાર તલાક બોલીને તલાક આપ્યા હોવાની આદિપુર મહિલા પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી છે. છઠ્ઠી નવેમ્બર 2016નાં રોજ પરિણીતા જન્નતની શાદી અંજારના વીડીમાં રહેતા યુવક યાશીન સૈયદ
સાથે થઈ હતી. દોઢ-બે વર્ષ બધુ સમુસૂતરું ચાલ્યું હતું પણ પોતાને મૃત બાળક જન્મ્યા
બાદ બે જેઠ અને સાસુની ચઢામણીથી પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનું પરિણીતાએ
ફરિયાદમાં જણાવ્યું છે.
બે માસ અગાઉ પતિએ માતાના મોબાઈલ પર ફોન
કરી પોતાની સાથે વાત કરી ‘તને શરિયત મુજબ તલાક તલાક તલાક આપું છું અને આજથી તારો-મારો સંબંધ
પૂરો’ એમ જણાવ્યું હતું. આ રીતે તલાક આપવા તે ગેરકાયદે છે અને પોતાને મંજૂર
નથી તેમ જણાવી પરિણીતાએ તેનો વિરોધ કર્યો હતો પણ પતિ માન્યો નહોતો. બનાવ અંગે અગાઉ
મહિલા પોલીસ મથકે દંપતિનું કાઉન્સેલિંગ કરવા પણ પ્રયાસ કર્યો હતો. જો કે, બેઉ પક્ષે વાત વણસેલી
રહેતાં આખરે પોલીસે મહિલાના પતિ યાશીન જલાલશા સૈયદ, સાસુ બાઈમા જલાશશા અને બે જેઠ નૂરશા અને
હયાતશા વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.