ભરૂચ જિલ્લાના મેહગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે મૃતકના સ્વજનો દરિયા કિનારે અંતિમસંસ્કાર કરવા મજબૂર બન્યા છે.

ભરૂચ જિલ્લાના મેહગામ ગામે રાઠોડ સમાજના સ્મશાનગૃહમાં બંગલી સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવે અંતિમવિધિ વખતે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં વરસાદથી રક્ષણ મેળવવા માટે કોઈ શેડ કે, વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના કારણે નાછૂટક મૃતદેહના અગ્નિસંસ્કાર માટે દરિયા કિનારે જવું પડે છે.

સ્થાનિકોમાં આ બાબતે રોષ પ્રસરેલો છે, અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે, અન્ય સમાજના સ્મશાનગૃહોમાં તમામ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જ્યારે રાઠોડ સમાજના સ્મશાનની સતત ઉપેક્ષા થઈ રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને સમાજના આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, અને વહેલી તકે સ્મશાનમાં શેડ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે.