હાર્દિક પટેલ લાજપોર જેલમાં સુરત પાસના નેતા અલ્પેશ કથીરિયા સાથે મુલાકાત ન થતા અલ્પેશના ઘરે પહોંચ્યો
પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદ અને સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા બાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મળતાં હવે જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિનો માર્ગ મોકળો થતાં સુરતના પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આજરોજ પાસ નેતા હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયાના પિતા સાથે લાજપોર જેલ પહોંચ્યો હતો. જોકે, અલ્પેશ સાથે મુલાકાત ન થતાં હાર્દિક બાદમાં અલ્પેશના ઘરે પહોંચ્યો હતો.
આ તબક્કે હાર્દિક પટેલે પેપર લીક કાંડ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તલાટી પેપર લીક બાદ લોક રક્ષક પેપર લીક પણ ઉતર ગુજરાતમાંથી થયું છે. તપાસનો રેલો ભાજપના મોટા નેતા સુધી પહોંચવો જોઈએ. પકડાયેલા છે તે તો બધા માત્ર મહોરા જ છે. અસલ રાજા તો અન્ય છે. ઉત્તર ગુજરાત ઉપર નિશાન સાધતાં પેપર લીક મામલે હાર્દિકે શંકર ચૌધરી ઉપર પણ આરોપ લગાવ્યા હતા.
હાર્દિકે અલ્પેશ કથીરિયાના જેલમાંથી બહાર આવ્યા બાદ પાસની રણનીતિ અંગે જણાવ્યું હતું કે, અલ્પેશ જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ધામધૂમપૂર્વક તેને ઘરે લઈ જવાશે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે . જોકે, આજે યોજાનાર મીટીંગમાં નક્કી કરવામાં આવ્યા બાદ જ આગળની રણનીતિ ઘડવામાં આવશે. અલ્પેશ મુક્ત થતા યુવાનોમાં જુસ્સો વધ્યો છે અને તેથી જ અમરેલીમાં 20 ડિસેમ્બરના રોજ પદયાત્રાનું અને 23મીના રોજ બાલાપરમાં વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે.