મહેસાણા જિલ્લાના છઠીયારડા ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંતે ગત રવિવારે સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જોકે તેઓ સમાધિ ન લેતા સમગ્ર મામલે નાટ્યાત્મક રીતે અંત આવ્યો હતો, ત્યારે લોકોની આસ્થા સાથે ખીલવાડ થતાં ઢોંગી બાબા વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે વિજ્ઞાન જાથાએ નિવેદન આપ્યું હતું.
છઠીયારડા ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્તસૂને ગત રવિવારે રાત્રે 10થી 11 વાગ્યા દરમિયાન મંચ પર મૌન ધ્યાનમાં જીવ બેસી જશે તેમ જણાવ્યુ હતું, જેમાં મહંતે 1 કલાક અને 20 મિનિટમાં કુદરતી રીતે જીવ બેસી જઈ સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જોકે મહંતના કહેવા પ્રમાણે ન થતાં આ મામલાનો નાટ્યાત્મક રીતે અંત આવ્યો હતો, ત્યારે કુદરતી સમાધિ નહીં મળતાં છેવટે મૌન તોડીને તેઓ બોલ્યા હતા કે, હજુ ખાડો કરી આપો હું સમાધિ લેવા તૈયાર છું. મહંત શપ્તસૂને કહ્યું હતું કે, મને કુદરતી આભાસ થયો હતો કે, જીવ બેસી જશે પણ એવું થયું નથી. હું ભક્તોની માફી માગું છું અને જે પણ કાનૂની સજા હોય તે ભોગવવા તૈયાર છું. વધુમાં મહંત શપ્તસૂને હવે ભક્તિ છોડી દઈશ તેવું પણ જણાવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છઠીયારડા ગામમાં કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે, તે સંજોગોમાં આશ્રમ સંકુલમાં ચિક્કાર જનમેદની ચિંતા ઉપજાવે તેવી હતી, ત્યારે પોલીસે સંકુલ બહારથી બધાને ખસેડતા ધીરે ધીરે અનુયાયીઓ વિખેરાઇ ગયા હતા. આ દરમ્યાન મહંત કેટલાક સમર્થકો સાથે પ્રથમ માળે તેમના રૂમમાં ચાલ્યા હતા. છઠીયારડા ગામના તલાટીએ કહ્યું કે, આ કાર્યક્રમ ન કરવા માટે પહેલાં પણ સૂચવાયું હતું. પરંતુ મહંત શપ્તસૂને સમાધિ લેવા માટેની જાહેરાત કરી હતી. જોકે આ મામલે લોકોની આસ્થા સાથે ખીલવાડ થતાં ઢોંગી બાબા વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે વિજ્ઞાન જાથાએ નિવેદન આપ્યું છે.