શનિવારે હજુ તો કેરળ અને  રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલુ નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું.   છેલ્લાં ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ૨૬મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી.

ગઈ મોડી રાતથી શરુ થયેલો ભારે વરસાદ આજે બપોર સુધી  ચાલુ રહેતાં ઠેર ઠેર જળબંબાકારથી ટ્રેનો, મેટ્રો સેવાઓ, ફલાઈટ્સ, માર્ગો  પરનો વાહનવ્યવહાર ખોરવાઈ જતાં જનજીવનને  ભારે માઠી અસર થઈ હતી. સાઉથ મુબઈમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકી જતાં મુંબઈગરાં હેરાન પરેશાન થઈ ગયાં હતાં. 

હવામાન વિભાગના વિજ્ઞાાની સુષ્મા નાયરે કહ્યું હતું  કે નૈઋત્યનું ચોમાસુ મુંબઈ આવી ચૂક્યું છે. છેલ્લાં ૭૫ વર્ષમાં  પહેલીવાર ચોમાસુ આટલું વહેલું મુંબઈમાં આવ્યું છે. સામાન્ય રીતે મુંબઈમાં ૧૧મી જૂને ચોમાસુ બેસતું હોય છે.  આ પહેલાં ૧૯૫૬માં તથા ૧૯૬૨ અને ૧૯૭૧માં પણ મુંબઈમાં ૨૯મી મેએ ચોમાસુ પહોંચ્યું હતું. 

વરસાદનું સૌથી વધુ જોર તળ મુંબઈમાં જોવા મળ્યું હતું. કોલાબા, ફોર્ટ, કાલબાદેવી, ભુલેશ્વર, મલબાર હિલ, વાલકેશ્વર, તાડદેવ, વરલી સહિતના વિસ્તારોમાં સવારે તો જાણે આભ ફાટયું હોય તેવી  સ્થિતિ સર્જાયી હતી. બે જ કલાકમાં ચાર ઈંચ સાથે ગઈ મોડી રાતથી આજે સવારના ૧૧ વાગ્યા સુધીમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી  જતાં તળ મુંબઈ પાણી પાણી થઈ ગયું હતું.

કોલાબા કોઝ વે, ફલોરા ફાઉન્ટેન, ક્રાફર્ડ માર્કેટ, સહિતના સાઉથ મુંબઈના વિસ્તારોમાં પાછલાં વર્ષોમાં ભાગ્યે જ જોવા મળ્યું હોય તેવું પાણી ભરાયું હતું. મુંબઈમાં મહત્તમ ૧૦ ઈંચ વરસાદ નરિમન પોઈન્ટ ખાતે નોંધાયો હતો. કોલાબા અને સીએસટી ખાતે સવા આઠ ઈંચ વરસાદ થયો હતો. 

એક તરફ અતિશય ભારે વરસાદ અને બીજી તરફ આજે સવારે હાઈટાઈડ હોવાથી પાણીનો નિકાલ અટકી ગયો હતો અને તેનાી કારણે પરિસ્થિતિ હતી. હાઈ ટાઈડન તથા ભારે  વરસાદને પગલે તમામ બીચ બંધ કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. મંત્રાલય, દાદર કિંગ્સ સર્કલ, પરેલ, ,વડાલા, હિંદમાતા, ચિંચપોકલી, ચર્ચગેટ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયાં હતાં. તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ હતી. 

સીએસટીથી ભાયખલ્લા વચ્ચેના ટ્રેક પર પાણી ભરાતાં તથા સીએસટીથી મસ્જિદ વચ્ચેના ટ્રેક પર પાણીના કારણે સેન્ટ્રલ  અને હાર્બર બંને લાઈનની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સેન્ટ્રલની ટ્રેનો દાદર કે પરેલથી જ કલ્યાણ તરફ પરત વાળવામાં આવી હતી. હાર્બરની ટ્રેનો પણ વડાલા સુધી જ પહોંચી ત્યાંથી પરત વાળવામાં આવી હતી.

વડાલા ખાતે લોકો ટ્રેક પર ઉતરીને ચાલતાં જતાં હોય તેવાં  દ્રશ્યો જોવા મળ્યાં હતાં. દાદર, માટુુંગા, બદલાપુર સહિતના સ્ટેશનોએ ટ્રેક પર પાણી ભરાતાં બાકીની ટ્રેનો પણ ધીમી પડી ગઈ હતી અને તેના કારણે આખા દિવસ માટે ટ્રેન  વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. 

વેસ્ટર્નમાં ટ્રેક પર  વૃક્ષની ડાળખી તૂટતાં ટ્રેનો ધીમી પડી ગઈ હતી. સીએસટી યાર્ડમાં પાણી ભરાતાં મુંબઈથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો પર પણ અસર પડી  હતી. 

 હજુ તો વરલી સુધી  ચાલતી ભૂગર્ભ મેટ્રો સેવા થ્રીના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં પાણી ધસી જતાં સ્ટાફને ઉપર બોલાવી લઈ , ટિકિટ કાઉન્ટર્સ બંધ કરી દઈ મેટ્રો  સેવા અટકાવી દેવાઈ હતી. જોકે, આરેથી વરલી સુધીની મેટ્રો થ્રી  સેવા રાબેતા  મુજબ રહી હતી.

આચાર્ય અત્રે ચોકમાં એન્ટ્રી ગેટ, એસ્કેલેટર,  પ્લેટફોર્મ પર  હિલોળાં લેતાં પાણીનાં દ્રશ્યો જોઈ મુંબઈગરા આઘાત પામી ગયા હતા. અનેક માર્ગો પર પાણી ભરાયાં હોવાથી બેસ્ટના રુટ પણ બંધ કરવા અથવા તો ટૂંકાવવામાં આવ્યા હતા. 

મુંબઈ પાસેના નવી મુંબઈ, થાણે, બદલાપુર, અંબરનાથ,કલ્યાણાં પણ ભારે વરસાદ થયો હતો. ઉલ્હાસ નદી  ભયસૂચક સપાટીએ પહોંચી  ગઈ હતી. કલ્યાણ મુરબાડ વચ્ચે ઉલ્હાસ નદીનાં  પાણી બ્રિજને સ્પર્શી જતાં બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.