મોરબી : વાંકાનેરમાં 5 વર્ષના બાળકની હત્યા કૌટુંબિક કાકાએ જ કરી હતી

New Update
મોરબી : વાંકાનેરમાં 5 વર્ષના બાળકની હત્યા કૌટુંબિક કાકાએ જ કરી હતી

મોરબી જીલ્લામાં થોડા દિવસ પુર્વે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ધાર્મિક જગ્યાએથી ગામના જ એક પાંચ વર્ષના માસુમ બાળકનું અપહરણ બાદ હત્યા થઈ હતી. જેમાં પોલીસે મૃતકના કૌટુબિંક કાકાની ધરપકડ કરી છે. પોતાની પુત્રી અને મૃતકને શારીરીક ચેષ્ટા કરતાં જોઇ જતાં કાકાએ બાળકનું ઢીમ ઢાળી દીધું હોવાની કેફીયત આપી છે.

વાંકાનેરના ઠીકરિયાળી ગામ પાસે દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ નાકીયાનો હત્યા કરાયેલો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. પ્રિન્સની હત્યા કરીને તેના મૃતદેહને પાઇપ સાથે બાંધી કુવામાં ફેકી દેવાયો હતો. પોલીસને સીસીટીવી ફુટેજના આધારે મૃતકના કૌટુંબિક કાકા રસિક નાકીયાની હરકતો શંકાસ્પદ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન રસિક નાકિયાએ પોતે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

તેણે પોલીસને જણાવ્યું હતું કે, બનાવના એક અઠવાડિયા પૂર્વે તેની પુત્રી અને મૃતક બાળકને તે પોતાના બાથરૂમમાં બાળ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા જોઈ ગયો હતો. જેથી તેને મૃતક બાળકનો કાંટો કાઢવાનું નક્કી કરી લીધું હતું. ત્રણ દિવસની વોચ પછી દેવા બાપાની જગ્યા પાસે બાળકને ફોસલાવીને બાઇક પર પોતાની વાડીએ લઈ ગયો હતો. જ્યાં કુવાના ગારના પથ્થર સાથે માથું ભટકાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં બાળકના મૃતદેહને બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો.જો કે હાલ આ બનાવમાં હત્યારા કાકાએ માસુમ બાળકની હત્યાનું કારણ શંકા ઉપજાવે તેવું આપ્યું છે. પરંતુ પોલીસ દ્વારા આગામી સમયમાં સત્ય સામે લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે

Latest Stories