સાગબારાના ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહ આંદોલન ફરી શરૂ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓની પણ ઉપસ્થિતિ
આગામી વર્ષ 2027માં સરકાર બદલી નાખવા શંકરસિંહની હાકલ
માંગ નહીં સંતોષાય તો બળદગાડા સાથે ગાંધીનગર કૂચની ચીમકી:
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે વન અધિકાર સત્યાગ્રહ આંદોલનને લઈને જનસભા યોજાય હતી. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર ગંભીર આક્ષેપો સાથે આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
નર્મદા જિલ્લાના રાજપીપળાના સાગબારા તાલુકાના ખોપી ગામે વન અધિકાર સત્યાગ્રહ આંદોલન પુનઃ શરૂ થતાં ખેડૂતોએ આંદોલન વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપી છે. આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, મહેશ વસાવા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી ખેડૂતોને જમીનના અધિકારો આપવા અને વન વિભાગ દ્વારા કરાતી કથિત હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સભામાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે જમીનો ફાળવે છે, પરંતુ વર્ષોથી ખેતી કરતા સાગબારાના સ્થાનિક ખેડૂતોને જમીનના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. વન મંત્રી દ્વારા આપવામાં આવેલું સનદ આપવાનું આશ્વાસન હજુ સુધી પૂરું કરવામાં આવ્યું નથી. સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે, તેઓ છેલ્લા 25 વર્ષથી જે જમીન પર ખેતી કરી રહ્યા છે, ત્યાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનના નામે જમીન કબજે કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેતી કરતા આદિવાસીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા વારંવાર અમાનુષી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે. તો બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ આદિવાસી સમુદાયને 2027માં સરકાર બદલવા હાકલ કરી હતી, જ્યારે આંદોલનકારી આગેવાનોએ માંગણીઓ પૂરી નહીં થાય તો બળદગાડાં સાથે ગાંધીનગર સુધી ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવાની આક્રમક જાહેરાત કરી છે.
