દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી ચુકયાં છે. અમદાવાદ ખાતે આવી તેમણે સ્વ. કેશુભાઇ પટેલ અને સ્વ. મહેશ અને નરેશ કનોડીયાના પરિવારની મુલાકાત લઇ દીલસોજી પાઠવી હતી. અમદાવાદથી ખાસ હેલીકોપ્ટર મારફતે તેઓ કેવડીયા પહોંચી ચુકયાં છે. જ્યાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીના કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે.
પીએમ મોદીનો કેવડિયામાં શુક્રવારનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 12:10થી 12:50 દરમિયાન આરોગ્ય વન અને વિસ્તા આરોગ્ય કુટિરનું લોકાર્પણ કરશે. 12:50થી 1 વાગ્યા દરમિયાન એકતા મોલનું લોકાર્પણ કરશે. 1 વાગ્યે ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કને ખુલ્લો મૂકશે. 3:30થી 5 વાગ્યા દરમિયાન જંગલ સફારીનું લોકાર્પણ કરશે. 5:15 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી અને એકતા ક્રુઝનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ડાયનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે. 7:20 વાગ્યે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કરશે. 7:25થી 7:35 દરમિયાન યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત લઇને તેનું લોકાર્પણ કરશે અને 7:45થી 8 વાગ્યા દરમિયાન કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ કરશે.