સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષ અને 7 મહિનાની સગીરા પર દુષ્કર્મની સનસનીખેજ ઘટના સામે આવી છે. અને પીડિતાના પિતાએ આ અંગે કિશોરવયના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર પોતાની 14 વર્ષ અને 7 મહિનાની દીકરી અચાનક ગુમ થતાં ચિંતામાં મુકાયો હતો. દીકરી પોતાના ઘરેથી ગાયબ થઈ જતાં મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ માઇનોર દીકરી અન્ય એક વ્યક્તિના કહેવાથી મધ્યપ્રદેશથી સુરત આવી પહોંચી હતી અને છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં રહેતી હતી.દરમિયાન, 15 અને 16 જુલાઈના દિવસોમાં 16 વર્ષીય કિશોરે આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. કિશોરે બે દિવસમાં સગીરા પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો સગીરાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યો છે.
બનાવ અંગે સગીરાએ આપવીતી જણાવતા, માઇનોર દીકરીના પિતાએ હિંમત દાખવીને સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસે 16 વર્ષીય કિશોર વિરુદ્ધ BNS ની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ ગુનો આચરનાર 16 વર્ષીય કિશોર હાલ ફરાર થઈ ગયો છે. સચિન પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આરોપી કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
