/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-114.jpg)
નર્મદા જિલ્લાના કોઠી ગામ નજીક ખાડીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી બાળકીને બે કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ હાલ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદીના પાણી આસપાસના વિસ્તારોને ધમરોળી રહયાં છે. નર્મદા જિલ્લાના કોઠી અને ધાવડી ગામ વચ્ચેથી પસાર થતી ખાડીમાં એક બાળકી ફસાઇ જતાં દોડધામ મચી હતી. 13 વર્ષીય સુરેખા તડવી નામની બાળકી તેની માતા સાથે ખાડીએ કપડા ધોવા માટે ગઇ હતી. તેની માતા કપડા ધોતી હતી તે વેળા તે ખાડીમાં ન્હાવા પડી હતી. દરમિયાન ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તે ખાડીની વચ્ચે ફસાઇ ગઇ હતી. તે પોતાનો જીવ બચાવવા એક પથ્થર પર ઉભી રહી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બે કલાકની જહેમત બાદ ખાડીમાં બંને કિનારા પર દોરડા બાંધી બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. બાળકીનો બચાવ થતાં પરિવારના સભ્યો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.