/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-55.jpg)
અબુધાબીના ફિશિંગ કંપનીના જુલ્મોનો શિકાર બનેલ નવસારી જિલ્લાના મેધર અને ભાટ ગામના ૫ માછીમારો કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ માદરે વતન પરત આવતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલ ભાટ ગામના દિનેશ રામજી ટંડેલ, મગન રામજી ટંડેલ, ચંપક કાનજી ટંડેલ, રાજેશ કાંતિ ટંડેલ અને મેઘર ગામના રાજેશ ગૌરીશંકર ટંડેલ અબુધાબીના જાસમ રાશીદની ફિશિગ કંપનીમાં માછીમારી કરવા ગયા હતાં, પરંતુ અબુધાબી સરકારે દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવતા જાસમ રાશીદે માછીમારો પર રોકેલ નાણા માથે પડ્યા હતાં. જેની વસૂલી માટે આ 5 માછીમારોને જબરજસ્તી રોકી રખાય હતાં અને કાયદાની આટીઘુંટીમાં ફસાવવાની ધમકીઓ આપીને પાસપોર્ટ જમા કરી લીધા હતા, અને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ 5 માછીમારો અન્ય ભારતીયોના સહારે જીવન ગુજારી રહ્યા હતા, જ્યાં સુધી વિઝામાં ખર્ચેલા નાણાની વસુલાત ન થાય ત્યાં સુધી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં રાત્રીના અંધારામાં ગેરકાયદે માછીમારી કરવામાં મોકલવામાં આવ્યા હતાં.
ભારતમાં રહેતા પરિવારને જાણ થતાં અહીંના સ્થાનિક નેતાઓએ નવસારીના સાંસદ સી.આર.પાટીલને ઘટનાથી વાકેફ કર્યા હતાં. તેમના પ્રયાસોથી વિદેશ મંત્રાલયે અબુધાબી સરકાર સાથે વાટાઘાટો કરી તમામ ૫ માછીમારોનો વતન પરત આવવાનો માર્ગ મોકળો કરાવ્યો હતો. તેઓ હેમખેમ વતન પરત આવતાં પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે. તેમણે પોતાની ઉપર થયેલાં જુલ્મની દાસ્તાન મીડિયા સમક્ષ વર્ણવી રહ્યા છે. આકરી સજા જેવી ભોગવીને આવેલા ૫ માછીમારો કોઈ મોટી કેદમાંથી છુટકારો મેળવ્યો હોય એવો અનુભવ કરી રહ્યા છે.