/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-323.jpg)
નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં આવેલી તલાટીની કચેરી જર્જરીત બની જતાં મોટી હોનારતનો ભય સેવાઇ રહયો છે. તલાટીની કચેરીને અડીને જ આવેલી સફાઇ કર્મચારીઓની કચેરીની પણ આવી જ હાલત છે. પાલિકા સત્તાધીશો વહેલી તકે સલામતીના પગલા ભરે તે જરૂરી બની ગયું છે.
વિજલપોરને પાલિકાનો દરજ્જો મળ્યા પેહલા આ દેખાતી જર્જરિત કચેરીનો ગ્રામ પંચાયત તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ પાલિકાનો દરજ્જો મળતા અહીં તલાટી અને પાલિકાના સફાઈકર્મીઓ માટે કચેરી ફાળવવામાં આવી છે. કચેરીની ઇમારત જર્જરીત બની ચુકી હોવા છતાં પાલિકા કે જિલ્લા વહીવટી તંત્ર હોનારતની રાહ જોઇને બેઠું હોય તેમ લાગી રહયું છે. નવા મકાનની ઉદ્ઘાટન પ્રસંગે વાહવાહી લૂંટતું તંત્ર વિકટ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે મરણ પથારી આવી ગયેલી આ કચેરી માટે સરકાર કે સરકારના પ્રતિનિધિ યોગ્ય તપાસ કરાવે અને કચેરી તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સ્થળે ગોઠવે તો મોટી હોનારત થી જરૂરથી બચી શકાય તેમ છે. વિજલપોર પાલિકા જર્જરિત થઈ ગયેલી ઈમારતોને માત્ર નોટિસો આપીને સંતોષ માની રહી છે. આ ચોમાસામાં નવસારી જિલ્લામાં ૪ થી વધુ રહેણાંક ઈમારતો ધરાશાયી થઇ હતી.