/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-371.jpg)
મૌસમનો પ્રથમ વરસાદ એવો મનમૂકીને વરસ્યો જેનાથી નદી, નાળાઓ ઉભરાઈ ગયા અને ખેતરો લીલાછમ થઈને ધરતીપુત્રો પર મહેરબાન થયા. ત્યારે કેટલીક આડઅસરો પણ જોવામળી રહી છે. જેમાં નવસારી જિલ્લાના આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકામાં ચેકડેમો ધોવાઈ જતા જનજીવન હજીપણ પ્રભાવિત થઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાસ કરીને ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અહીંના કોઝવે તૂટી અને જમીનમાં દબાઈ ગયા છે. 15 જેટલા કોઝ-વે વરસાદમાં આવેલ નદીના પુરમાં ધોવાઈ જતા વાહન વહેવાર સાથે પગપાળા જતા રાહદારીઓને પણ અગવડતાનો અનુભવ કરવો પડી રહ્યો છે. સાથે વિદ્યાર્થીઓ, ખેડૂતો, પશુપાલકો અને નોકરિયાત મોટી તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં વાંસદા તાલુકાના ઉપસળ ગામનો કોઝ-વે કાવેરી નદીના પુરના કારણે ધોવાઈ જતા અહીંના લોકો દોઢ મહિનાથી મોટો ફેરાવો કરીને જઇ રહ્યા છે. તો કેટલાક લોકો જીવના જોખમે કોઝ-વે પાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિકો તંત્રને રજુઆત કરીને હિંમત હારી ગયાનો અહેસાસ કરી રહ્યા છે. આ દ્રશ્યમાં દેખાતો આ કોઝ-વે 60% જેટલો તૂટ્યો છે. જે જોખમી બન્યો છે. પરંતુ અધિકારીઓ જોવા સુધ્ધાં આવી શક્યા નથી. સ્થાનિક ધારાસભ્યએ પણ કેટલીક રજુઆત કરી છે પરંતુ પરિણામ આવી શક્યું નથી.