/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-303.jpg)
જૂન મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી પણ નેત્રંગ તાલુકાની ૬ જેટલી આશ્રમ શાળાઓમાં ૮રપ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર તરફથી પાઠ્ય પુસ્તકો ન અપાતાં ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉપર પ્રશ્ન ઉભો થયો છે. કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત ચાસવડ આશ્રમ શાળામાં પણ પાઠ્યપુસ્તકો ન મળતા મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરી આદિવાસી વિદ્યાર્થીઓને તત્કાલીન ધોરણે પાઠ્યપુસ્તકો આપવમાં આવે તેવી માંગ ઉઠાવી છે.
આદિવાસી અને શહેરી વિસ્તારમાં આશ્રમશાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકો પુરા પાડવામાં આવે છે. નેત્રંગ તાલુકામાં મોરીયાણા કાંટીપાડા નેત્રંગ અને વણખૂંટા તથા ચાસવડ ખાતે કુલ છ જેટલી આશ્રમશાળાઓ આવેલી છે. આ આશ્રમ શાળાઓમાં ધોરણ ૧ થી ૮ સુધીમાં અંદાજે ૮રપ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે. જૂન મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી પણ હજુ સુધી આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને સરકાર તરફથી પાઠ્ય પુસ્તકો મળયા નથી. જેના કારણે તેની સીધી અસર આ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યો ઉપર પડી રહી છે.
આ અંગે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગમાં તપાસ કરતા પાઠ્યપુસ્તકો જિલ્લા પ્રાથમિક શિક્ષણ ખાતાની કચેરીમાંથી મળશે તેવા જવાબ આપવામાં આવે છે, જ્યારે બીજીબાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી તરફથી યોગ્ય જવાબો આપવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે કસ્તુરબા સેવાશ્રમ મરોલીના મેનેજીંગ ડિરેક્ટર અને પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ સીધા વિજય રૂપાણીને ઉદૃશીને લેખિતમાં રજુઆત કરી છે. કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત રાજ્યની શ્રેષ્ઠ આશ્રમશાળા મરોલી ખાતે આવી છે તેના વિદ્યાર્થીઓ પણ પાઠ્યપુસ્તકથી વંચિત રહેતા મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ રાજ્ય સરકારના ધ્યાને સમગ્ર વિષયને ધ્યાને લાવવા માટે લેખીત રજુઆત કરી છે.
ખુમાનસિંહ વાંસિયાના કહેવા મુજબ નેત્રંગની આશ્રમ શાળાઓમાં ભણતા ૮રપ વિદ્યાર્થીઓને સત્ર શરૂ થયાને એક મહિનો ઉપરાંતનો સમય થવા છતાં હજુ સુધી પાઠ્ય પુસ્તકો મળયા નથી. આ આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલ અધ્ધરતાલ છે. સમયસર પાઠ્યપુસ્તક ન મળે તો અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં આ વિદ્યાર્થીઓ શિક્ષણમાં નબળા પડશે જે આદિવાસી સમાજમાં અન્યાયકર્તા છે તેમ પણ કહી શકાય. સમયસર પાઠ્યપુસ્ત આપવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ નિયમિત બની શકે. સરકારે નિયત સમયમાં પાઠ્ય પુસ્તક આપવા જાઇએ તેવી માંગ તેમણે ઉઠાવી છે.
- રાજ્યના શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલેલ છે : કે.ટી. પટેલ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી)
જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આશ્રમ શાળાઓમાં જેમ–જેમ પાઠ્ય પુસ્તકો આવે તેમ તેમ વિદ્યાર્થીઓને પુરા પાડવામાં આવે છે. હજુ ઘણી શાળા અને આશ્રમ શાળાઓ બાકી છે જે અંગેની દરખાસ્ત શિક્ષણ વિભાગમાં મોકલી આપેલ છે. પાઠ્યપુસ્તકો આવતા જ શાળાઓ અને આશ્રમ શાળાઓમાં પુરા પાડવામાં આવશે.