અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેના લીધે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સપ્રેસ હાઇવે પર મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહી બ્રિજ પર એક લેનના રસ્તામાંથી વાહનોએ પસાર થવું પડી રહ્યું છે.જેથી આ સ્થળ પાસે લાંબો ટ્રાફિક જામ લાગે છે.આ ટ્રાફિક જામના લીધે વાસદ થઇને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનો ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ બાદ એક્સપ્રેસ હાઇવે પર પણ અનેક જગ્યાએ ખાડા પડતા રસ્તા ઉબડ-ખાબડ બન્યા હતા.જેને પગલે વાહનની ગતિ ધીમી કરીને પસાર થવું પડે તેવી સ્થિતિ હતી.વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઇવે પર વચ્ચે આવતા મહી બ્રિજ પરનો રસ્તો એક છેડેથી બીજા છેડે સુધી ખરાબ થઇ જતા ભારે મુશ્કેલી સર્જાતી હતી. જેનું મોડે મોડે રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ રીપેરીંગ કાર્યને પગલે હવે મહી બ્રિજ પર એક માત્ર લેન પરથી વાહનો પસાર થઇ શકે તેમ છે. જેથી અહીંયા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.જેથી કેટલીક વખત વાહનોને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. જેમાં ટ્રાફિકથી બચવા બીજા એક્સપ્રેસ વે પર વાહનો જતા રહે છે.