/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-248.jpg)
ભરૂચના ભાડભૂત ખાતે ONGC દ્વારા નીતિ નિયમોને નેવે મુકી કોઇ પણ મંજૂરી લીધા વિના ગામના ગાડાવાટ ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કરતા વિવાદ સર્જાયો છે.આ બાંધકામ અંગે ગ્રામ પંચાયતે પણ વિરોધ ઉઠાવી કાયદેસર કાર્યવાહી કરવા છતાં જેની ગેરકાયદેસર બાંધકામ સામે પગલા લેવાની જવાબદારી છે તેવી સરકારી ડેવલોપમેન્ટ ઓથોરીટી GPCPSIRDAના અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાઇ રહ્યા છે.
સરકારના વિભાગો દ્વારા જ સરકારી નિયમોની ધરાર અવગણના કરવાના વિવાદિત કેસમાં જોઇએ તો ભાડભૂત ગામના દાઉદ મુસા દરબારની એક હેકટરથી વધારે જમીન ઓ.એન.જી.સી દ્વારા ૨૦૧૩માં સંપાદિત કરી હતી.આ સંપાદિત જમીન પર નેપ્થા લાઇનનો વાલ્વ અને બ કચેરી તથા કંમ્પાઉંન્ડ વોલના બાંધકામ દરમિયાન ગ્રામજનો સહિત પંચાયત સભ્યોએ ગાડાવાટ ઉપર દિવાલ બનતી હોવાના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવ્યો હતો.
જે માટે ભાડભૂત ગ્રામપંચાયતે ઓ.એન.જી.સી.ને નોટિસ પણ આપી હતી.જેના જવાબમાં ઓ.એન.જી.સી.એ જમીન સંપાદન બાદ જે તે જમીન બિનખેતીની થતી હોવાનો દાવો કરી પંચાયતની મંજૂરી લેવાની થતી નથી તેવો વળતો જવાબ પણ આપ્યો હતો.જેની સામે પંચાયતે આ બાબતના આધાર પુરાવા માંગતા ઓ.એન.જી.સી.ના અધિકારીઓ તે આપી શક્યા ન હતા. જેના પગલે ગ્રામ પંચાયતે જિલ્લા અને તાલુકા પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. જો કે આ અંગે કોઇ પગલા ના લેવાયાના આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
આખરે ભાડભૂત ગ્રામપંચાયતે ગાડાવાટ પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા જિલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ પણ કરી હતી.જેની તપાસ તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી.પણ આ અંગે હજુ કોઇ તપાસ ન કરાઇ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.આ બાબતે ગ્રામજનો સહિત પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને પણ ફરીયાદ કરતા કલેકટરે પણ કંપની પાસે આધાર પુરાવા માંગ્યા હતા.પણ ક્લેકટર કચેરીમાંથી પણ પછી આ અંગે કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનું ગ્રામજનો સહિત પંચાયત સભ્યો જણાવી રહ્યા છે.
સમગ્ર મામલે પંચાયત સભ્ય પ્રવિણ ટંડેલના કહેવા મુજબ જો સરકારના વિભાગ દ્વારા જ કાયદાની ઐસીતૈસી કરવામાં આવે અને સરકાર જ તેની સામે આંખ આડા કાન કરે ત્યારે પ્રજાએ ન્યાય કોની પાસે માંગવો એ પ્રશ્ન ભાડભૂત ગ્રામપંચાયત અને ગામના ખેડૂતો સામે ઉભો થયો છે. આમ છતાં પંચાયતે બેસી ના રહેતા ગુજરાત પેટ્રોલિયમ એન્ડ પેટ્રોકેમીકલ્સ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલોપમેન્ટ ઓથોરીટીને આ અંગે ફરિયાદ કરી હતી. જેમાં GPCPSIRDAએ ONGCને નોટિસ પણ આપી બાંધકામ અટકાવવા હૂકમ કર્યો હતો. પરંતુ આ હૂકમની પણ ઓ.એન.જી.સી. દ્વારા અવગણના કરાઇ રહી છે.બાંધકામ ચાલુ રહેવા છતાં વહિવટી તંત્ર દ્વારા કોઇ પગલા ના લેવાતા ગ્રામજનો,ખેડૂતોને સાથે રાખી પંચાયત દ્વારા આગામી દિવસોમાં આંદોલનના મંડાણ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.