જો તમને વોટ્સએપ કે ફેસબુક પર કોઈ ધમકી મળે તો આટલું કામ જરૂરથી કરો

આજના યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જોવા જઈએ તો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે કમાણીના માધ્યમ બની ગયા છે.

New Update
social media

આજના યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જોવા જઈએ તો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે કમાણીના માધ્યમ બની ગયા છે.

હવે વિચારો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જો તમને કોઈ ધમકી આપે તો? ચાલો જાણીએ આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકો પોતાની વાતો અને લાગણીઓ એકબીજાને શેર કરે છે. એવું લાગે છે કે, આધુનિક દુનિયામાં કંઈપણ વ્યક્તિગત રહ્યું નથી. વિકાસની સાથે સાથે છેતરપિંડી અને સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.

ડીપફેક વીડિયો, નકલી ફોટા, નકલી આવકવેરા અને પોલીસ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. બીજું કે, હાલની તારીખમાં બ્લેકમેઇલ કરવાના ઘણા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક વસ્તુ છે કે વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.

જો તમને વોટ્સએપ, ફેસબુક કે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળે છે, તો તમે ઘણા પગલાં હાથ ધરી શકો છો. આવી સ્થિતિમાં, ડરવાને બદલે કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ.

જો બ્લેકમેઇલર્સ પૈસા માંગે છે, તો પૈસા ચૂકવશો નહીં. જે નંબર અથવા આઈડી પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો છે તેને બ્લોક કરો. રિપોર્ટિંગ અથવા બ્લોક કરવાની સુવિધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. યુઝર્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.

ઓનલાઈન ધમકી મળે તો એપ્લિકેશન પર રિપોર્ટ કેવી રીતે કરવું? સૌપ્રથમ WhatsApp પર ચેટબોક્સ ખોલો. હવે ઉપર જમણી બાજુએ "ત્રણ ડોટ" ઓપ્શન પર ક્લિક કરો. મેનુમાં "રિપોર્ટ/બ્લોક" ઓપ્શન પર ક્લિક કરો.

ફેસબુક પર રિપોર્ટ કરવા માટે તમને પોસ્ટની ઉપર જમણી બાજુએ "રિપોર્ટ પોસ્ટ" અને "રિપોર્ટ ફોટો" નો ઓપ્શન દેખાશે. તમારી જરૂરિયાત મુજબ કોઈ એક ઓપ્શન પર ક્લિક કરો.

કાનૂની કાર્યવાહી કેવી રીતે કરવી? યુઝર્સ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવી શકે છે. પોર્ટલ પર મહિલાઓ/બાળકો, નાણાકીય છેતરપિંડી અને અન્ય સાયબર ક્રાઈમ કેસ માટે અલગ અલગ પોર્ટલ ઉપલબ્ધ છે. ધમકી અનુસાર કોઈ એક ઓપ્શન પર જાઓ અને "File Complaint" ના ઓપ્શન પર ક્લિક કરો. જણાવી દઈએ કે, આટલું કરતાં પહેલા તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.

આ સિવાય તમે હેલ્પલાઇન નંબર 1930 પર પણ કૉલ કરી શકો છો. તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને ભારતીય દંડ સંહિતા અને IT એક્ટ 2000 ની જોગવાઈ હેઠળ FIR નોંધાવી શકો છો. આ ઉપરાંત, તમે શહેરના સાયબર ક્રાઈમ સેલમાં પણ જઈ શકો છો અને કેસ વિશે ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ નોંધાવતી વખતે તમારે પુરાવા સાથે રાખવા. શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે ફોટોગ્રાફ્સ અથવા અન્ય દસ્તાવેજોની જરૂર પડશે. મેસેજ/પોસ્ટ/ફોટો પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લો, જેમાં સમય અને કોન્ટેક્ટ જેવી વિગતો દર્શાવવી. મોબાઇલ નંબર અને યુઝર્સ નામ નોંધવાનું ભૂલશો નહીં. જો જરૂર હોય તો તમે યોગ્ય વકીલ સાથે પણ વાત કરી શકો છો.

 

Instagram | social media 

Latest Stories