/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/20180923_150403.jpg)
ગણપતિ બાપ્પા મોરિયાના વગેરેના નારાઓમાંથી વાતાવરણ ભકિતમય બન્યું
દસ દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ પાલેજ નગરના વિવિધ વિસ્તારોમાં બિરાજમાન કરાયેલા દુંદાળા દેવની પ્રતિમાઓની રંગેચંગે નગરના માર્ગો ઉપર સવારીઓ નીકળી હતી. પાલેજ નગરનું વાતાવરણ જાણે ગણેશમય બની જવા પામ્યું હતું. દસ દસ દિવસ સુધી ગણેશ ભક્તોએ ગણપતિની આરાધના કરી ગરબે ઘૂમી ગણેશોત્સવની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. અનંત ચતુર્દશીના દિવસે બપોરે પાલેજ નગરના માર્ગો ઉપર નીકળેલી શ્રીજીની સવારીઓમાં નગરના હિંદુ સંપ્રદાયના લોકોનું જાણે કે કિડીયારૂ ઉભરાયું હતું.
શ્રીજીની સવારીઓમાં મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકોએ ભાગ લીધો હતો. શ્રીજીની નીકળેલી સવારીઓમાં નગરનું યુવાધન જાણે કે હિલોળે ચઢયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રીજીની સવારીઓ રેલવે સ્ટેશન પાસે આવી પહોંચી ત્યારે મહિલાઓએ ગરબે ઘૂમી શ્રીજીની આરાઘના કરી વિદાય આપી હતી. .
પાલેજ પંથકના સીમલીયા, કિશનાડ, સારીંગ પાછીયાપુરા, અડોલ, પાદરીયા વગેરે ગામોમાં પણ શ્રીજીની સવારીઓ નીકળી હતી. ગણેશોત્સવ પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પાલેજ પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ સંપન્ન થયો હતો.