/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-78.jpg)
ગોધરા શહેરમાં આવેલ શાન્તાકુંજ અને સરયૂ વીલા સોસાયટીઓમાં વરસાદના પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ભારે ગંદકી જોવા મળી રહી છે, વરસાદી પાણી ભરાઈ રહેવાથી રોડ ઉપર લીલ બાજી જતા સોસાયટીના રહીશોને અકસ્માતનો ભોગ બનવું પડે છે, ત્યારે ગંદકીને લઈને મચ્છરોના ત્રાસથી આ સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળતા એક મહિલા ડેન્ગ્યુ જેવો જીવલેણ રોગનો પણ ભોગ બની હોવા છતાં તંત્ર હજુ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર આવેલી સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટર લાઈનનું કામ વ્યવસ્થિત કરવામાં ન આવ્યુ હોવાથી વરસાદનું પાણી સોસાયટીઓના રોડ ઉપર ભરાઈ રહેવાને કારણે સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયુ છે. આ ગંદકીને કારણે સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળતા એક મહિલાને ડેન્ગ્યુ પોઝિટીવ જેવા જીવલેણ રોગની અસર થઈ જવાને લીધે સોસાયટીના રહીશોમાં ભયની ભીતિ પ્રસરી જવા પામી છે.
રાજય સરકાર દ્વારા ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટર લાઈન નાખવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ગટર લાઈનનું કામ કોન્ટ્રાકટરો દ્વારા વ્યવસ્થિત રીતે ન કરવામાં આવતા ગોધરા શહેરની સોસાયટીઓમાં વરસાદના પાણીનો નિકાલ ન થવાને કારણે પાણી સોસાયટીઓના રોડ ઉપર ભરાઈ રહે છે, જેના કારણે રોડ ઉપર લીલ બાજી ગઈ હોવાથી સોસાયટીઓના રહીશોને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે, તેમજ મોટર સાયકલ કે ચાલતા જતા રહીશોને રોડ ઉપર લીલ હોવાને કારણે સ્લીપ થઈ જવાથી કેટલીક વાર અકસ્માતનો પણ ભોગ બનવું પડતું હોય છે. ત્યારે સોસાયટીના રહીશોએ આ અંગે નગરપાલિકા અને વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં પણ આજ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. સોસાયટીઓમાં વરસાદી પાણીથી થયેલ ગંદકીને લીધે જે રોગચાળો ફાટી નિકળેલ છે, આ રોગચાળાથી વધુ લોકો ઝપેટમાં ન આવે તેવી ભયની ભીતિ સોસાયટીના રહીશોમાં સેવાઈ રહી છે. ગંદકીને કારણે ગોધરા શહેરમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની નગરપાલિકા તંત્ર રાહ જોઈ રહયું હોય તેમ લોકચર્ચાઓ સોસાયટીના રહીશોમાં જોવા મળી રહી છે. સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા અને તંત્રની સામે હાય હાયના નારાઓ પોકારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે સમસ્યાનું નિરાકરણ નગરપાલિકા કે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવશે કે નહીં તે તો હવે આવનાર સમય જ બતાવશે.