દાહોદના કુશલગઢ-અલીરાજપુર હાઇવે પર એક અત્યંત ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો છે.આ ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદના કુશલગઢ-અલીરાજપુર હાઇવે પર એક અત્યંત ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત સર્જાયો છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી ઇકો કાર, ક્રુઝર ગાડી અને એક બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થતાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો અને ક્રુઝર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે ધડાકાભેર અથડાયેલી બાઈકમાં અચાનક ભીષણ આગ લાગી જતા બાઈક જોતજોતામાં સળગીને ખાખ થઈ ગયું હતું.
આ દર્દનાક દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ અને દાહોદ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અને ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને ત્વરિત સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
