અંકલેશ્વરમાં સ્થાનિકોનો વિરોધ
ડમ્પિંગ સાઇટની દુર્ગંધથી મુશ્કેલી
ચોમાસામાં બહાર આવી રહ્યું છે પાણી
સ્થાનિકોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો
નગરપાલિકાએ પ્રશ્નના નિરાકરણની આપી ખાતરી
અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટની દુર્ગંધ અને પ્રદુષિત પાણીના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજરોજ સ્થાનિકોએ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓની હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.
પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ ડંપિંગ સાઇટનું પાણી પણ બહાર આવી રહ્યું છે ત્યારે સ્થાનિકોએ આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
આ અંગે નગર સેવા સદનના પ્રમુખ જીગ્નેશ અંદાડીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતના પગલે તાત્કાલિક જે.સી.બી મોકલી હાલ પૂરતું પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ માટે પગલા ભરવામાં આવશે.
