• અંકલેશ્વર જીઆઇડીસીમાં કામગીરી

  • વરસાદી પાણીના નિકાલના કાંસની કામગીરી

  • કાંસને પાકી કરવાની કામગીરી

  • પાણી ભરાવાની સમસ્યા નહીં રહે

  • અધિકારીઓએ કર્યું નિરીક્ષણ 

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ઉદ્યોગોની આસપાસ વરસોથી ઉભી થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે વરસાદી પાણીના નિકાલની કાંસને પાકી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર GIDC વિસ્તારમાં ઉદ્યોગોની આસપાસ વરસોથી ઉભી થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે હવે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. નોટીફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કાંસને પાકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં સજ્જન ઇન્ડિયા કંપની અને ડેટોકસ કંપની નજીક વરસાદી પાણીના વહેણને સરળ બનાવવા માટે કાંસના પાકીકરણનું કામ હાથ ધરાયું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણી ઝડપથી નિકાલ પામશે અને ઉદ્યોગોને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી.અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં અંકલેશ્વર GIDCના અન્ય વિસ્તારોમાં આવેલી કાંસને પણ પાકી કરવાની કામગીરી હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.